World Most Polluted Cities List: ભારત સહિત વિશ્વના વિવિધ શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા શહેરોની હવા આ દિવસોમાં અત્યંત ઝેરી બની ગઈ છે. વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં દિલ્હી પ્રથમ સ્થાને છે, પાકિસ્તાનનું લાહોર શહેર બીજા સ્થાને છે. ટોચના 5 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ત્રણ ભારતીય શહેરો છે.
સ્વિસ ગ્રુપ IQair દ્વારા વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે. આ જૂથ વાયુ પ્રદૂષણના આધારે હવા ગુણવત્તા સૂચકાંક તૈયાર કરે છે. યાદી અનુસાર, દેશની રાજધાની દિલ્હી, મુંબઈ અને કોલકાતા સૌથી ખરાબ વાતાવરણવાળા 10 શહેરોમાં સામેલ છે. આ યાદી તૈયાર કરવા માટે 3 નવેમ્બરના સવારે 7.30 વાગ્યાના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે ત્રણ દિવસ બાદ પણ દિલ્હી સહિતના મોટા શહેરોમાં હવાની સ્થિતિ યથાવત છે.
વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરો કયા છે?
યાદી જોતાં એ સ્પષ્ટ થાય છે કે 519 AQI સાથે દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. આ પછી પાકિસ્તાનનું લાહોર 283ના AQI સાથે બીજા સ્થાને છે. ત્યારબાદ કોલકાતા 185 AQI સાથે ત્રીજા સ્થાને છે. આ પછી ચોથા સ્થાને મુંબઈ આવે છે, જ્યાં AQI 173 નોંધાયો હતો. પાંચમા ક્રમે કુવૈત સિટી છે, જે ગલ્ફ દેશ કુવૈતની રાજધાની છે, જ્યાં IQAir એ 165 AQI રેકોર્ડ કર્યો છે.
બાંગ્લાદેશની રાજધાની ઢાકા છઠ્ઠા સ્થાને છે, જ્યાં AQI 159 છે. મધ્ય પૂર્વના અન્ય દેશ ઇરાકની રાજધાની બગદાદને સાતમું સ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં હવાની ગુણવત્તા 158 પર છે. ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા 158 AQI સાથે આઠમા સ્થાને, કતારની રાજધાની દોહા 153 AQI સાથે નવમા સ્થાને અને ચીનનું વુહાન શહેર 153 AQI સાથે 10મા સ્થાને છે. આ શહેરોમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
અહીં સંપૂર્ણ યાદી જુઓ