Rajasthan Rape Case: રાજસ્થાનમાં સગીર બાળકી પર ગેંગરેપ કેસ મામલે ભાજપ અને કોંગ્રેસ સામ-સામે આવી ગયા છે. સગીર બાળકી પર થયેલા આ ગેંગરેપ કેસમાં કોંગ્રેસના ધારાસભ્યના પુત્ર આરોપ લગાવવામાં આવ્યો છે, જે બાદ ભાજપના નેતાઓ અશોક ગેહલોતની સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. ભાજપના રાજ્ય સચિવ અને ભૂતપૂર્વ સંસદીય સચિવ જિતેન્દ્ર ગોથવાલે સોમવારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને ટ્રેનની ટિકિટ મોકલી અને તેમને તેમના "લડકી હૂં લડ સકતી હૂં" અભિયાનની યાદ અપાવી હતી અને વહેલી તકે રાજસ્થાનની મુલાકાત લેવા કહ્યું હતું. જિતેન્દ્ર ગોથવાલના આ પ્રહાર પછી હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક નિવેદન જાહેર કરીને ભાજપ પર પલટવાર કર્યો છે.


અમિત શાહને રાજસ્થાન આવવા આમંત્રણઃ
અશોક ગેહલોતે એક નિવેદન જાહેર કરીને ગૃહમંત્રી અમિત શાહને રાજસ્થાન આવવાનું આમંત્રણ આપ્યું છે. ગેહલોતે ટ્વીટ કર્યું અને લખ્યું કે, " શ્રીમતી પ્રિયંકા ગાંધી કોઈ બંધારણીય હોદ્દો નથી ધરાવતાં છતાં પણ ભાજપના નેતાઓ રાજસ્થાનમાં થતા ગુનાઓ માટે વારંવાર પ્રિયંકાજીને આમંત્રણ આપે છે." અમે ગૃહમંત્રી શ્રી અમિત શાહ માટે ચાર્ટર પ્લેન મોકલીને વિનંતી કરવા માંગીએ છીએ કે, તેઓ રાજસ્થાન આવે અને અહીં (રાજસ્થાનમાં) કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં કરાયેલા નવીન પ્રયાસો અને ગુનાઓ સામે લેવાયેલા કડક પગલાં વિશે માહિતી મેળવે. જેથી તેમના પક્ષ દ્વારા ફેલાવવામાં આવી રહેલી મૂંઝવણને દૂર કરી શકાય.




ઉલ્લેખનીય છે કે, અશોક ગેહલોતે કરેલા તેમના નિવેદનનો એક ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો. આ ફોટોમાં રાજસ્થાનમાં થતા ગુનાઓ સામે સરકારે શું પગલાં લીધા છે અને શું નવિન પ્રયાસો કર્યા છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. ગેહલોતે આ નિવેદનમાં દાવો કર્યો છે, રાજસ્થાનમાં ભાજપ શાસિત અન્ય રાજ્યો કરતાં વધુ સારી કાનૂની વ્યવસ્થા છે. સાથે જ તેમણે કોઈ પણ ગુનાની ઘટનાઓમાં ફરજીયાત FIR નોંધવાની રાજસ્થાન સરકારની પહેલનો પણ ઉલ્લેખ કર્યો છે.