IOA Formed Committee: ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન શોષણના આરોપોની હવે તપાસ કરવામાં આવશે. આ માટે સાત સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિની રચના ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા કરવામાં આવી છે. સમિતિના સભ્યોમાં મેરી કોમ, યોગેશ્વર દત્ત, ડોલા બેનર્જી, અલકનંદા અશોક, સહદેવ યાદવ અને બે વકીલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


આ પહેલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ભારતીય ઓલિમ્પિક સંઘનો સંપર્ક કર્યો હતો. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, રવિ દહિયા અને દીપક પુનિયાએ IOA પ્રમુખ પીટી ઉષાને લેખિત ફરિયાદ મોકલી હતી. ફરિયાદમાં કુસ્તીબાજોએ WFI પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણી અને નાણાકીય અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ WFI પ્રમુખને બરતરફ કરવાની અને યૌન શોષણના આરોપોની તપાસ માટે એક કમિટી બનાવવાની માંગણી કરવામાં આવી હતી.


કુસ્તીબાજોએ પત્રમાં શું લખ્યું?


ખેલાડીઓએ તેમના ફરિયાદ પત્રમાં જણાવ્યું હતું કે, બ્રિજભૂષણ શરણ સિંહે ખેલાડીઓને માનસિક ત્રાસ આપ્યો હતો. કુસ્તીબાજોને સ્પોન્સરશિપના પૈસા પણ આપવામાં આવતા નથી અને કોચ મેરિટના આધારે ખેલાડીઓની પસંદગી કરતા નથી. કુસ્તીબાજોએ પીટી ઉષા પાસે માંગ કરી હતી કે, બ્રિજભૂષણ શરણ સિંહનું રાજીનામું લેવામાં આવે અને આ મામલાની તપાસ કરવા માટે બને તેટલી વહેલી તકે એક સમિતિની રચના કરવામાં આવે.


બ્રિજભૂષણ શરણ સિંહે રાજીનામું આપવાનો કર્યો ઈન્કાર 


સાથે જ બ્રિજભૂષણ શરણ સિંહે રાજીનામું આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજીનામાનો સવાલ જ ઊભો થતો નથી. સિંહે કહ્યું હતું કે, હરિયાણાના ઓછામાં ઓછા 300 ખેલાડીઓ આવ્યા છે. તેમનું નિવેદન પણ લો. આ સાથે તેમણે આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાનું કહ્યું હતું, પરંતુ તેમણે આ પ્રેસ કોન્ફરન્સ અચાનક જ કોઈ કારણોસર રદ્દ કરી નાખી હતી.


 બ્રિજ ભૂષણ બાદ કુશ્તી સંઘના ઉપાધ્યક્ષને ખુલ્લા પાડશે વિનેશ, રહસ્યમય ક્લિપ છે પુરાવો


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે હવે વિનેશ ફોગાટે ઉપાધ્યક્ષને પણ લપેટામાં લીધા છે. જાણીતિ કુસ્તિબાજ વિનેશ ફોગાટે ઉપાધ્યક્ષ દર્શન લાલ પર ગંભીર આરોપ લગાવ્યો છે. આજે વિનેશે રેસલિંગ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ પર આરોપ લગાવ્યો કે તેમણે પણ મહિલા રેસલરનું શોષણ કર્યું છે અને તેની પાસે પુરાવા તરીકે 30 મિનિટનું ઓડિયો રેકોર્ડિંગ છે. 


વિનેશ ફોગાટે એમ પણ કહ્યું છે કે, સમય આવ્યે ત્યારે તેને સૌની સામે મુકશે. જાહેર છે કે, દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોના વિરોધનો આજે ત્રીજો દિવસ છે.


મીડિયા સાથે વાત કરતા વિનેશે કહ્યું હતું કે, જે છોકરીનું શોષણ થયું છે તે હરિયાણા રાજ્યની નથી, પરંતુ મારી પાસે કુસ્તી સંઘના ઉપાધ્યક્ષનો 30 મિનિટનો ઓડિયો છે. ઘણા પુરૂષ કુસ્તીબાજોએ પણ શોષણ અને માનસિક સતામણી વિશે વાત કરી હોવાનો વિનેશે આરોપ લગાવ્યો હતો.