Anurag Thakur On Wrestlers Protest: સરકારે ફરીવાર કુસ્તીબાજોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપી છે. રમતગમત મંત્રીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, સરકાર કુસ્તીબાજો સાથે તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. મેં આ મુદ્દે ચર્ચા કરવા માટે ફરી એકવાર કુસ્તીબાજોને આમંત્રણ આપ્યું છે.






આ પહેલા ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પૂનિયાએ મીડિયાને માહિતી આપી હતી કે કુસ્તીબાજો અને તેમના કોચની શનિવારે (3 જૂન) રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત થઈ હતી. પૂનિયાએ કહ્યું હતું કે ગૃહમંત્રીએ આ મુદ્દો ઉકેલવાની ખાતરી આપી છે.


બજરંગ પૂનિયા સહિતના કુસ્તીબાજોએ કહ્યું- નોકરીનો ડર ન બતાવો


આ પહેલા સોમવાર (5 જૂન)ના રોજ સમાચાર આવ્યા હતા કે રેસલર રેલવેમાં તેમની નોકરી પર પાછા ફર્યા છે. આના પર ટોચના કુસ્તીબાજો બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે સોમવારે (5 જૂન) ટ્વીટ કર્યું હતું, "જે લોકો અમારા મેડલને 15-15 રૂપિયાના ગણાવતા હતા તે હવે અમારી નોકરીઓની પાછળ પડી ગયા છે. અમારું જીવન જોખમમાં છે, તેની સામે નોકરી એ બહુ નાની વાત છે. જો નોકરી ન્યાયના માર્ગમાં અવરોધરૂપ જણાશે, તો અમે તેને છોડવામાં દસ સેકન્ડ પણ નહીં લઈએ. નોકરીનો ડર બતાવશો નહીં.


અન્ય ટ્વિટમાં કુસ્તીબાજ બજરંગ પૂનિયાએ દેશવાસીઓને કોઈપણ અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી, અને કહ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત (આંદોલન) ચાલુ રહેશે.


આ વર્ષે 18 જાન્યુઆરીએ બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત લગભગ 30 કુસ્તીબાજો જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા અને બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપો હેઠળ કાર્યવાહીની માંગણી કરી હતી. 19 જાન્યુઆરીએ કુસ્તીબાજોએ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મોડે સુધી વાતચીત કરી હતી. ત્યારબાદ બજરંગ પૂનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને રવિ દહિયા રમતગમત મંત્રીને મળ્યા હતા. સરકારે કુસ્તીબાજોને આ મામલે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.


આ પછી 23 એપ્રિલે કુસ્તીબાજો ફરીથી જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. 24 એપ્રિલે રમત મંત્રાલયે કહ્યું હતું કે ભારતીય ઓલિમ્પિક સંઘ 45 દિવસની અંદર રેસલિંગ ફેડરેશનની કાર્યકારી સમિતિની ચૂંટણીઓ કરાવવા માટે એડ-હોક સમિતિ (અસ્થાયી સમિતિ)ની રચના કરશે.


બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવાની રેસલર્સ સતત માંગ કરી રહ્યા છે. દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ બે FIR નોંધી છે. 28 મેના રોજ કુસ્તીબાજોએ નવી સંસદની નજીક મહિલા મહાપંચાયત યોજવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસે તેમને કસ્ટડીમાં લીધા અને જંતર-મંતરથી તેમનો સામાન હટાવી દીધો હતો.