Wrestlers Delhi Police Ruckus: બુધવારે (3 મે) રાત્રે લગભગ 11 વાગ્યે રાષ્ટ્રીય રાજધાનીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટનાનો અનેક વીડિયો સામે આવ્યો છે. કુસ્તીબાજોનો આરોપ છે કે વરસાદને કારણે તેઓએ પથારી મંગાવી હતી. પોલીસે તેમને આમ કરતા રોક્યા હતા. સ્ટાર ખેલાડી બજરંગ પૂનિયા અને પોલીસ વચ્ચે થયેલી બોલાચાલીનો વીડિયો પણ સામે આવ્યો છે. રેસલર વિનેશ ફોગાટ એક વીડિયોમાં રડતી જોવા મળી રહી છે. વિનેશ ફોગાટે ગંભીર આરોપ લગાવ્યા છે. આ મામલે દિલ્હી પોલીસનું નિવેદન પણ આવ્યું છે.






રેસલર વિનેશ ફોગાટે રડતા રડતા ગંભીર આરોપ લગાવ્યા


DCP પ્રણવ તાયલે કહ્યું  હતું કે “જંતર-મંતર પર કુસ્તીબાજોની હડતાળ દરમિયાન AAP નેતા સોમનાથ ભારતી પરવાનગી વિના ફોલ્ડિંગ બેડ લઈને વિરોધ સ્થળ પર આવ્યા હતા. જ્યારે અમે દરમિયાનગીરી કરી ત્યારે સમર્થકો આક્રમક બની ગયા હતા અને ટ્રકમાંથી બેડ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી નજીવી ઝપાઝપી થઈ અને સોમનાથ ભારતીને અન્ય બે સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.






સમાચાર એજન્સી પીટીઆઈ જણાવ્યા અનુસાર, અન્ય એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે "કેટલાક લોકોએ વિરોધ સ્થળ પર બેડ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સ્થળ પર તૈનાત પોલીસકર્મીઓએ તેમને આ અંગે પૂછપરછ કરી તો તેઓ આક્રમક બની ગયા અને દેખાવકારોએ પણ તેમનું સમર્થન કર્યું હતું. તેમણે ખોટી રીતે એક પોલીસકર્મીને રોક્યો અને તેના પર નશામાં હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે તે નશામાં નહોતો. પોલીસકર્મીઓ ઘટનાસ્થળે છે અને સ્થિતિ અત્યારે કાબૂમાં છે. કોઈ વિરોધ કરનારને માર મારવામાં આવ્યો ન હતો.


બજરંગ પુનિયાનો આરોપ


કુસ્તીબાજ બજરંગ પૂનિયાનો આરોપ છે કે પોલીસકર્મીઓએ બહેનો અને પુત્રીઓ સાથે દુર્વ્યવહાર કર્યો અને મારપીટ કરી હતી. તેમણે કહ્યું કે આખા દેશના સમર્થનની જરૂર છે, બધાએ દિલ્હી આવવું જોઈએ. પીટીઆઈ અનુસાર, પૂર્વ કુસ્તીબાજ રાજવીરે કહ્યું, "વરસાદને કારણે ગાદલા ભીના થઈ ગયા હતા તેથી અમે સૂવા માટે ફોલ્ડિંગ બેડ લાવી રહ્યા હતા પરંતુ પોલીસે તેની મંજૂરી આપી ન હતી." નશામાં ધૂત પોલીસકર્મી ધર્મેન્દ્રએ વિનેશ ફોગાટ સાથે દુર્વ્યવહાર કર્યો અને અમારી સાથે મારપીટ કરી હતી.


દેખાવકારો બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ પર અડગ


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે જાતીય સતામણી સહિતના ગંભીર આરોપો લગાવ્યા છે. કુસ્તીબાજો સતત બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે. કુસ્તીબાજોનું કહેવું છે કે જ્યાં સુધી બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે. તાજેતરમાં દિલ્હીમાં સાત મહિલા કુસ્તીબાજોની ફરિયાદના આધારે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી હતી.