Wrestlers Protest: કુશ્તી મહાસંઘના અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં ખાપ નેતાઓ રવિવારે એટલેકે 7 મેએ જંતર-મંતર પર પહોંચશે. ખાપ નેતાઓએ જાહેરાત કરી છે કે, રવિવારે હજારો ખેડૂતો પોતાની એકતા દર્શાવવા વિરોધ કરી રહેલા કુસ્તીબાજોની મુલાકાત લેશે. ભારતીય કિસાન યૂનિયનના નેતા નરેશ ટિકૈત અને રાકેશ ટિકૈત અહીં પણ પહોંચશે. રાકેશ ટિકૈત સવારે 11 વાગે જંતર-મંતર પહોંચી શકે છે. ખાપ નેતાઓ સાંજે 7 વાગ્યે કુસ્તીબાજો સાથે કેન્ડલ માર્ચમાં જોડાશે. આ તમામને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે જંતર-મંતર પર સુરક્ષા અને બંદોબસ્તને ચુસ્ત કરી દીધા છે. 


હાલમાં દિલ્હીના જંતર-મંતર પર મોટી સંખ્યામાં RAF, CRPF અને દિલ્હી પોલીસના જવાનોને તૈનાત કરી દેવાયા છે. આ સાથે જ આસપાસના વિસ્તારોમાં પણ બેરિકેડિંગ કરાયુ છે, દિલ્હીના સીમાડાના વિસ્તારોમાં સુરક્ષા, તપાસ અભિયાન અને પેટ્રોલિંગને વધુ મજબૂત કરી દેવામાં આવ્યુ છે. 


દિલ્હી બૉર્ડર પર થશે ગાડીઓનું ચેકિંગ- 
દિલ્હી પોલીસ અનુસાર, કાયદાનું કોઈપણ રીતે ઉલ્લંઘન ન થાય તે માટે અહીં પુરેપુરી તૈયારીઓ કરવામાં આવી છે, આનુ ઉલ્લંઘન કરનારને કસ્ટડીમાં લેવામાં આવશે. બોર્ડર પર વાહનોનું ચેકિંગ કરવામાં આવશે અને જો તેમાં ટેન્ટ કે આવી કોઈ વસ્તુ મળી આવશે તો તેને જપ્ત કરી દેવાશે. આ સાથે વાહનને પણ દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. મોટી સંખ્યામાં મહિલા પોલીસ પણ તૈનાત રહેશે.


પહેલવાનોના સમર્થનમાં દેશવ્યાપી ધરણાં  
રવિવારે પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશના સંયુક્ત કિસાન મોરચા સાથે જોડાયેલા હજારો ખેડૂતો અને તેમના નેતાઓ જંતર-મંતર પર પહોંચશે, અને ત્યાં કુસ્તીબાજોને પોતાનું સમર્થન આપશે. સંગઠને રેસલિંગ ફેડરેશનના પ્રમુખ વૃજભૂષણ શરણ સિંહની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે, જેઓ મહિલા રેસલર્સનું યૌન શોષણના આરોપમાં ઘેરાયેલા છે. આ સાથે ખેડૂત સંગઠને કુસ્તીબાજોના સમર્થનમાં દેશવ્યાપી પ્રદર્શન કરવાની પણ યોજના બનાવી છે. ખાપ નેતાઓનું કહેવું છે કે, જ્યારે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, તો પછી તેમની ધરપકડ કરવામાં કેમ નથી આવી રહી. 


11-18 મે દરમિયાન ખેડૂતો સંગઠનો તમામ રાજ્યની રાજધાનીઓ અને જિલ્લા કાર્યાલયો પર વિરોધ પ્રદર્શન કરશે. યૂનાઈટેડ કિસાન મોરચાએ દિલ્હી પોલીસ પર સંવેદનશીલતા ના દર્શાવવાનો પણ આરોપ લગાવ્યો છે અને કુસ્તીબાજોને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવા બદલ નિંદા કરી છે.


ઉલ્લેખનીય છે કે, 23 એપ્રિલથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોએ દિલ્હી પોલીસ પર કેટલીયવાર હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. 3 મેના દિવસે કુસ્તીબાજો અને દિલ્હી પોલીસ વચ્ચે સખત ઘર્ષણ જોવા મળ્યુ હતુ. કુસ્તીબાજોનો આરોપ છે કે પોલીસ તેમને જરૂરી ચીજવસ્તુઓ લાવવા દેતી નથી.