Wrestlers Protest Khap Mahapanchayat: કુસ્તીબાજોના સમર્થનમાં આજે હરિયાણાના સોનીપતમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુસ્તીબાજ સાક્ષી મલિકે રીતસરની ચિમકી ઉચ્ચારી હતી. આ સાથે જ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજભૂષણ શરણ સિંહની જાતીય સતામણીના આરોપમાં કુસ્તીબાજોની ધરપકડ કરવાની માંગ કરી વધુ તેજ બની છે.


મહાપંચાયતમાં નિર્ણય લેવાયો હતો કે, જો સરકાર 15 જૂન સુધીમાં કોઈ નિર્ણય નહીં લે તો આગળની રણનીતિ જાહેર કરવામાં આવશે. આજે સાક્ષી મલિકે કહ્યું હતું કે, બ્રિજ ભૂષણ સિંહની ધરપકડ થવી જોઈએ. જો તેઓ બહાર રહેશે તો પણ ભયનું વાતાવરણ રહેશે. તેથી પહેલા તેમની ધરપકડ કરવામાં આવે ત્યાર બાદ જ આ કેસમાં તપાસ હાથ ધરવામાં આવે. સાક્ષીએ કહ્યું હતું કે. અમને સમર્થન મળી રહ્યું છે. અમે સત્યની લડાઈ લડી રહ્યા છીએ. કેટલીક ખોટી અફવાઓ પણ ફેલાવવામાં આવી રહ્યાં છે. 


આ સાથે જ કુસ્તિબાજ સાકી મલિકે ધમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી અમારા તમામ મુદ્દાઓ ઉકેલવામાં નહીં આવે ત્યાં સુધી અમે એશિયન ગેમ્સમાં રમીશું નહીં. આમ પહેલવાનોની રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધની લડાઈ વધુ આક્રમક તબક્કામાં પહોંચી ગઈ છે. 


સોનીપતમાં મહાપંચાયતનું આયોજન


મહાપંચાયતની શરૂઆત પહેલા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું હતું કે, અમે સરકાર સાથે જે વાટાઘાટો કરી છે તે વાત અમે અમારી વચ્ચે રાખીશું. અમે આ વાત તેમની સામે રાખીશું જે અમારા સમર્થનમાં ઉભા છે, પછી ભલે તે કોઈ સંસ્થા હોય કે પછી ખાપ પંચાયત. પુનિયાએ કહ્યું હતું કે, ખેલાડીઓ ખાપ પંચાયતો સાથે ચર્ચા કર્યા પછી જ આગળની રણનીતિ નક્કી કરશે. અગાઉ કુસ્તીબાજોના સમર્થનમાં યુપીના મુઝફ્ફરનગર અને હરિયાણાના કુરુક્ષેત્રમાં ખાપ મહાપંચાયતો યોજાઈ હતી.


કુસ્તીબાજો રમત મંત્રીને મળ્યા હતા


કુસ્તીબાજોએ 7મી જૂને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે પણ બેઠક કરી હતી. આ મીટિંગ પછી કુસ્તીબાજોએ કહ્યું હતું કે, દિલ્હી પોલીસને આ મામલે 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ ખેલાડીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR પાછી ખેંચી લેશે. કુસ્તીબાજોએ કહ્યું હતું કે અમે આંદોલન 15મી જુલાઈ સુધી મુલતવી રાખ્યું છે.