BRICS: નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનારી BRICS સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાય તેવી અપેક્ષા છે. જોકે, તેની સત્તાવાર જાહેરાત ગુરુવારે (10 સપ્ટેમ્બર) બપોરે 12:30 વાગ્યે ચીન તરફથી કરવામાં આવવાની છે. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે બંને નેતાઓની મુલાકાત 12 સપ્ટેમ્બરે થશે. 2020ના ગલવાન ઘાટી સંઘર્ષ બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ ઔપચારિક રૂબરૂ દ્વિપક્ષીય વાતચીત હશે.
આ વર્ષે ભારત BRICSની અધ્યક્ષતા કરી રહ્યું છે. 18મી BRICS સમિટનું આયોજન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કરવામાં આવશે. સત્તાવાર માહિતી અનુસાર, આ સંમેલન 12 અને 13 સપ્ટેમ્બરે યોજાશે.
7 વર્ષ બાદ ભારત આવશે શી જિનપિંગ
શી જિનપિંગની પ્રસ્તાવિત ભારત મુલાકાત બંને દેશોના સંબંધોની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેઓ લગભગ સાત વર્ષ બાદ ભારત આવી રહ્યા છે. 2020ના સરહદ વિવાદ બાદ ભારત અને ચીનના રાજકીય સંબંધોમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. ગલવાનની હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે સૈન્ય તૈનાતીમાં વધારો થયો હતો અને વેપાર તથા રોકાણના ક્ષેત્રમાં પણ અનેક પ્રકારના પ્રતિબંધો અને સાવચેતી જોવા મળી હતી.
જોકે, તાજેતરના મહિનાઓમાં બંને દેશોએ સંબંધોને ધીમે-ધીમે સામાન્ય કરવાની દિશામાં પગલાં લીધાં છે. સરહદ પર તણાવ ઘટાડવા, વાતચીત આગળ વધારવા અને આર્થિક સંબંધોમાં રહેલા કેટલાક અવરોધો દૂર કરવાના પ્રયાસો થયા છે. રોયટર્સના અહેવાલ અનુસાર, બંને દેશોના સંબંધોમાં સુધારાના સંકેતો ચોક્કસ મળ્યા છે, પરંતુ પરસ્પર વિશ્વાસનો અભાવ હજુ પણ મોટો પડકાર છે.
આ પણ વાંચો: અમેરિકા ઇરાનનું ભીષણ યુદ્ધ, અમેરિકાએ 5 ઈરાની ટેન્કર કર્યાં ધ્વંશ, જાણો ઈરાને શું કહ્યું?
LAC અને વેપાર પર થઈ શકે છે મહત્વપૂર્ણ ચર્ચા
PM મોદી અને શી જિનપિંગ વચ્ચેની બેઠકમાં સરહદ વિવાદ અને LAC પર શાંતિ જાળવી રાખવાનો મુદ્દો સૌથી મહત્વપૂર્ણ બની શકે છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, સીધી ફ્લાઇટ્સ અને આર્થિક સહયોગ સાથે જોડાયેલા મુદ્દાઓ પણ ચર્ચાનો ભાગ બની શકે છે.
ભારત અને ચીન વચ્ચે તાજેતરના સમયમાં અનેક સ્તરે વાતચીત થઈ છે. બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓ અને સરહદ મામલાઓ સાથે જોડાયેલા અધિકારીઓ વચ્ચે ચર્ચા ચાલુ રહી છે. આ પ્રક્રિયાનો હેતુ સરહદ પર તણાવ ઘટાડવાનો અને બંને દેશોના સંબંધોને સ્થિર બનાવવાનો છે.
રેર અર્થ મિનરલ્સ પર થઈ શકે છે મોટો કરાર
શી જિનપિંગની ભારત મુલાકાત દરમિયાન રેર અર્થ મિનરલ્સની સપ્લાયનો મુદ્દો પણ ખાસ મહત્વ ધરાવી શકે છે. ચીન વિશ્વની રેર અર્થ મિનરલ સપ્લાય ચેઇનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ખનિજોનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો, ઇલેક્ટ્રોનિક્સ, સંરક્ષણ સાધનો, પવન ઊર્જા અને અનેક આધુનિક ટેક્નોલોજીમાં થાય છે.
ભારત પોતાની જરૂરિયાતો માટે ચીનથી મળતા દુર્લભ ખનિજ ઉત્પાદનો અને મેગ્નેટ પર મોટી હદે નિર્ભર રહ્યું છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે તેની સપ્લાયને લઈને કોઈ સમજૂતી થવાની શક્યતા પર સૌની નજર છે.
જોકે, ઉપલબ્ધ સત્તાવાર માહિતી અનુસાર 12 સપ્ટેમ્બરે મોદી-શી બેઠક દરમિયાન આવા કોઈ કરાર પર હસ્તાક્ષર થશે કે નહીં તેની અંતિમ પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી.
