નવી દિલ્હીઃ કોરોનાનો ડર આખી દુનિયાના લોકોને સતાવી રહ્યો છે. દરરોજ લોકો મરી રહ્યા છે. આ ડરના માહોલમાં મુંબઇની એક જેલમાં બંધ યસ બેન્કના ફાઉન્ડર રાણા કપૂરે હવે કોરોનાના નામ પર જામીન માટે અરજી કરી છે.


યસ બેન્કના ફાઉન્ડર રાણા કપૂરે પોતાની જામીન અરજીમાં કહ્યુ છે કે જો તે જેલમાં રહેશે તો તે કોરોના વાયરસનો ભોગ બની શકે છે. તે હાલમાં નવી મુંબઇની તાલોજા જેલમાં બંધ છે અને તેને ઇડી તરફથી કરવામાં આવેલી મની લોન્ડ્રરિંગ મામલામાં જેલમાં બંધ કરવામાં આવ્યા છે. પોતાની જામીન અરજીમાં રાણા કપૂરે દાવો કર્યો હતો કે તેની તબિયત ખરાબ હોવાના કારણે તેને કોરોના વાયરસ થવાનો ડર સતાવી રહ્યો છે.

રાણા કપૂરે પોતાના વકીલ સુભાષ જાધવ તરફથી આ જામીન અરજી દાખલ કરી છે. જામીન અરજીમાં કપૂરે દાવો કર્યો હતો કે તે ક્રોનિક ઇમ્યૂનોડિફિશિએન્સી સિડ્રોમથી પીડિત છે અને આ કારણે તેના પર ફેફસાના સંક્રમણ, સાઇનસ અને ચામડી સંબંધિત બીમારીના કારણે સંક્રમણનો ખતરો રહે છે.