નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દેશમાં વધીને 722 પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 17 લોકોનાં મોત થયા છે જ્યારે 50 દર્દી સાજા થઈ ગયા છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સૌથી વધારે કેરળમાં છે જ્યાં 137 દર્દી છે. મહારાષ્ટ્રમાં 125, કર્ણાટકમાં 55, તેલંગાણામાં 44, ગુજરાતમાં 43, યૂપીમાં 42, રાજસ્થાનમાં 40, દિલ્હીમાં 36, પંજાબમાં 33, હરિયાણામાં 32, તમિલનાડુમાં 29, મધ્ય પ્રદેશમાં 20 દર્દી છે.


દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ 27 રાજ્યમાં પહોંચી ગયું છે. જેમાં 17 પોઝિટિવ દર્દીના મોત થયા છે. મધ્ય પ્રદેશના ઇંદોરમાં 35 વર્ષના દર્દીનું મોત થયું હતું. દેશમાં આટલી નાની ઉંમરમાં કોરોનાથી મોતની આ પ્રથમ ઘટના છે. મધ્ય પ્રદેશ ઉપરાંત ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 65 વર્ષિય દર્દી, મહારાષ્ટ્રના મુંબઈમાં 65 વર્ષિય વૃદ્ધ, ગુજરાતના ભાવનગરમાં 70 વર્ષિય વૃદ્ધ તથા રાજસ્થાનના ભીલવાડામાં એક દર્દીનું મોત થયું છે. આ ઉપરાંત કર્ણાટકમાં પણ 75 વર્ષની મહિલાનું મોત થયું છે.

મદુરાઈના દર્દીને લાંબા સમયથી ડાયાબિટીસ તથા બ્લડપ્રેશરની સમસ્યા હતી. તમિલનાડુમાં કોરોનાથી આ પ્રથમ મોત થયું છે. આ અગાઉ મંગળવારે મહારાષ્ટ્રમાં એક સંક્રમિતનું મોત થયું હતું. તે 63 વર્ષના વૃદ્ધનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને પણ હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા હતી. અત્યાર સુધીમાં જે લોકોના મોત થયા છે. તેમાંથી 9 વ્યક્તિ સુગર, બ્લડપ્રેશર કે અન્ય કોઈ બીમારી ધરાવતા હતા.