નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારના મંત્રીએ પ્રવાસી મજૂરોને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઔરૈયા સડક દુર્ઘટના પર યૂપીના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી ઉદયભાન સિંહે કહ્યું, અમારી સંવેદના તેમની સાથે છે. તેમાંથી કોઈએ દુર્ઘટનાને આમંત્રણ આપ્યું નથી. પરંતુ હકીકત એ છે કે જો તેમણે ધીરજ ન ગુમાવી હોત તો આમ ન થાત.


તેમણે એમ પણ કહ્યું, સરકાર ખાવા-પીવાનું ઉપલબ્ધ કરાવી રહી છે. કેટલાક લોકો રોકાઈ ગયા, કેટલાક નહીં. મજૂરો ખેતરોમાં ચોર અને ડાકુની જેમ ભાગી રહ્યા છે. અમે તેમને બોલાવી રહ્યા છીએ, પાણી પીવડાવી રહ્યા છીએ. આ દરમિયાન તેઓ તંત્ર અને પોલીસનો બચાવ કરતાં પણ જોવા મળ્યા હતા.


ઉદયભાનના નિવેદન પર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય લલ્લૂએ કહ્યું, મંત્રીનું નિવેદન શરમજનક અને નિંદનીય છે. જે મજૂરોની ગરીબીની ઠેકડી કરવા જેવું છે. જો તમે તેમને સહયોગ નથી આપી શકતા તો મજૂરોની લાચારીની મજાક ઉડાડવાનો કોઈ અધિકાર નથી.

યૂપીના ઔરૈયામાં શનિવારે વહેલી સવારે વતન પરત ફરી રહેલા મજૂરોની સાથે ભયાનક અકસ્માત થયો હતો. બે ટ્રકની ટક્કરમાં 24 પ્રવાસી મજૂરોના મોત થયા હતા. 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.