Yogi Adityanath Oath Ceremony: યોગી આદિત્યનાથ સતત બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. યોગીની સાથે લગભગ 46 મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. યોગી આદિત્યનાથ લખનઉના ઇકાના સ્ટેડિયમમાં આજે સાંજે 4 વાગે ભવ્ય મંચ પર શપથ લેવાના છે. રાજ્યાભિષેકની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઐતિહાસિક તૈયારીની ઝલક માત્ર આ સ્ટેડિયમની અંદર જ દેખાતી નથી, પરંતુ સમગ્ર લખનઉને સજાવવામાં આવ્યું છે. એરપોર્ટથી સ્ટેડિયમ સુધીનો રસ્તો ભાજપના ઝંડા, પોસ્ટરો અને હોર્ડિંગ્સથી સજાવવામાં આવ્યો છે.
યોગી આજે બીજી વખત સીએમ પદના શપથ લેશે
નવા ઉત્તર પ્રદેશની રચનાના સંકલ્પ સાથે યોગી આદિત્યનાથ આજે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ પહેલા તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સૌ પ્રથમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં યોગી આદિત્યનાથને ગઈકાલે એનડીએના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ યોગી આદિત્યનાથ રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ પછી, બીજેપી નેતાઓએ તેમના સાથી પક્ષો સાથે મળીને રાજ્યપાલને રાજભવનમાં બહુમતી હોવા બદલ સમર્થન પત્ર સોંપ્યો હતો.
ત્રણ દાયકાથી વધુ સમય બાદ મુખ્યમંત્રીનું પુનરાવર્તન થશે
ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં ત્રણ દાયકાથી વધુ સમય બાદ કોઈ મુખ્યમંત્રી બીજી ટર્મ રિપીટ કરવા જઈ રહ્યા છે. ભાજપને મળેલી બહુમતીના કારણે શક્ય બન્યું છે. તો આ ઐતિહાસિક જીત બાદ શપથ લેવા જઈ રહેલા યોગી આદિત્યનાથનો શપથ ગ્રહણ સમારોહ પણ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે.
સમારોહમાં આવનાર મહેમાનોની યાદી લાંબી છે
ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં આવનાર મહેમાનોની યાદી ઘણી લાંબી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત તમામ કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના રાજ્યોના મુખ્ય પ્રધાનો હાજર રહેશે. એટલું જ નહીં, રાજ્યના વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ, માયાવતી, આરએલડીના જયંત ચૌધરીને યોગી આદિત્યનાથે પોતે ફોન દ્વારા શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. આટલું જ નહીં દેશના અનેક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, મોટા ધર્મગુરુઓ, સાધુ-સંતો પણ શપથગ્રહણના સાક્ષી બનશે.