Rakesh Sachan News: આર્મ્સ એક્ટના 31 વર્ષ જુના કેસમાં યોગી આદિત્યનાથ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા રાકેશ સચાનને દોષિત ઠેરવવામાં આવ્યા છે. મંત્રી રાકેશ સચાને કાનપુર કોર્ટમાં સરેન્ડર કરી દીધું છે. મંત્રી રાકેશ સચાનને અદાલતે એક વર્ષની સજા સંભળવી છે. આ સાથે કોર્ટે રાકેશ સચાન ઉપર 1500 રુપિયા દંડ પણ ફટકાર્યો છે.


ચૂકાદો આવે તે પહેલાં મંત્રી ભાગી ગયાઃ


ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી રાકેશ સચાન સામે 31 વર્ષ જુના એક કેસનો ચુકાદો કોર્ટમાં વિચારાધીન હતો. આ મામલે ગત શનિવારે ચુકાદો આવવાનો હતો. આ કેસ એસીએમએમ આલોક યાદવની કોર્ટમાં ચાલી રહ્યો હતો. સુનાવણી શરુ થઈ હતી ત્યારે મંત્રી રાકેશ સચાન કોર્ટમાં પહોંચી ગયા હતા. પરંતુ તેઓ કોર્ટનો ચુકાદો આવે તે પહેલાં જ કોર્ટમાંથી ભાગી ગયા હતા અને તેમના વકિલે કોર્ટના ઓર્ડરની કોપી કોપી ઝુંટવી લેવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જો કે, ઓર્ડરની કોપી ઝુંટવી હોવાની વાતની પુષ્ટી નથી થઈ શકી, પરંતુ રાકેશ સચાનની કસ્ટડી લેવામાં આવે તે પહેલાં તેઓ ભાગી ગયા હતા. 


યોગી સરકારના મંત્રી રાકેશ સચાનની કોર્ટમાંથી ભાગી જવાની વાત પર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કટાક્ષ કરતાં ટ્વીટ કર્યું હતું કે, "ભાજપના મંત્રીની સાથે-સાથે ફારાર થયેલા આઈપીએસને પણ શોધી લેજો."


મંત્રી રાકેશ સચાને કોર્ટમાંથી ભાગવા અંગે શું કહ્યું?


મંત્રી રાકેશ સચાને કહ્યું કે, એસીએમએમની કોર્ટમાં પહોંચ્યા હતા. જૂના કેસમાં ચુકાદો આવવાની માહિતી મળી હતી. પરંતુ અચાનક તબિયત ખરાબ થઈ જવાથી તેઓ કોર્ટમાંથી નિકળી ગયા હતા. ફાઈલ લઈને મંત્રી ભાગી ગયા હોવાની વાત ખોટી છે. ઉલ્લેખનીય છે કે, રાકેશ સચાનને એક વર્ષની સજા થતાં તેમનું ધારાસભ્ય પદ અને ચૂંટણી લડવાનો અધિકાર સુરક્ષીત છે. જો બે વર્ષ કે તેથી વધુની સજા થઈ હોત તો તેના ધારાસભ્ય પદ ઉપર ખતરો સાબિત થયો હતો.