મુંબઇઃ મહારાષ્ટ્રમા સતાધારી પાર્ટી શિવસેના અને એક્ટ્રેસ કંગના રનૌત વચ્ચે ચાલી રહેલી નિવેદનબાજીએ રાજકીય રંગ ધારણ કરી લીધો છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કંગનાની ઓફિસ તોડવાને લઇને ઉદ્ધવ ઠાકરે સરકાર પર નિશાન સાધ્યું હતું. ફડણવીસે કહ્યું કે, દાઉદ ઇબ્રાહિમનું ઘર તોડવામાં આવતું નથી જ્યારે કંગનાનું ઘર તોડવામાં આવી રહ્યું છે.




ફડણવીસે ઉદ્ધવ સરકાર અને શિવસેના પર નિશાન સાધતા કહ્યું કે, કંગના રનૌતના કેસમાં તમે (શિવસેના)એ હદથી વધારે મહત્વ આપ્યું છે. તે કોઇ નેતા નથી. તમે દાઉદનું ઘર તોડવા ગયા નથી પરંતુ તમે તેનો બંગલો તોડી દીધો. અગાઉ ફડણવીસે બીએમસીની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા ટ્વિટમાં કહ્યુ હતું કે, આ એક પ્રકારે રાજ્યમાં સરકાર દ્ધારા પ્રાયોજીત આતંક છે.

આ વિવાદ વચ્ચે કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલેએ મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. અઠાવલેએ કંગના રનૌતની ઓફિસ પર બીએમસીની કાર્યવાહીને ખોટી ગણાવી રાજ્યપાલ પાસે વળતરની માંગણી કરી હતી. આ અગાઉ ગઇકાલે અઠાવલેએ કંગના સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, જો તે રાજનીતિમાં આવવા માંગે છે તો ભાજપ અને આરપીઆઇ તેનું સ્વાગત કરશે.