જોધપુરઃ હાલના દિવસોમાં લોકોમાં સેલ્ફીનો ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો પોતાનો જીવની પણ પરવા કરતા નથી. આવી જ એક ઘટના કર્ણાટકમાં સામે આવી છે જ્યાં ફરવા માટે આવેલી નેશનલ લો યુનિવર્સિટીની વિદ્યાર્થીની સેલ્ફી લેવાના ચક્કરમાં સમુદ્રમાં ડૂબી જતાં મોતને ભેટી હતી. રિપોર્ટ પ્રમાણે, જોધપુરમાં રહેનારી પ્રણિતા મેહતા નામની વિદ્યાર્થીની પોતાના ચાર મિત્રો સાથે કર્ણાટકમાં ફરવા માટે આવી હતી.

દરમિયાન બપોરે તે પોતાના મિત્રો સાથે ગોકરણામાં સમુદ્રકિનારે એક દીવાદાંડી (લાઇટ હાઉસ) પર ચઢીને સેલ્ફી લેવા લાગી પણ સમતુલન બગડતા તે લગભગ 300 ફૂટની ઉંચાઇ પરથી દરિયામાં પડી ગઇ હતી. દરમિયાન પ્રણિતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ થોડી શોધખોળ બાદ તેની લાશ હાથમાં આવી હતી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે હવે પ્રણિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે.