જયપુર: PM મોદીના પ્લેનનું રવિવારે રાત્રે 9:20 કલાકે જયપુર એરપોર્ટ ઉપર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. દિલ્હીમાં ખરાબ હવામાનને પગલે આ પગલું લેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કર્ણાટકનાં હુબલીથી દિલ્હી જઈ રહ્યા હતા. PMની ફ્લાઈટ અંદાજે બે કલાક સુધી જયપુર એરપોર્ટ ઉપર રોકી રાખવી પડી હતી. આ સમય દરમિયાન વડાપ્રધાન પ્લેનની અંદર જ બેઠા રહ્યા હતા.
હવામાનમાં સુધારો જણાતા રાત્રે 11 વાગ્યા આસપાસ પ્લેન દિલ્હી જવા રવાના થયું હતું. નિશ્ચિત સમય પ્રમાણે વડાપ્રધાનનું પ્લેન દિલ્હીમાં રાત્રે 9 કલાકે લેન્ડ કરવાનું હતું. પરંતુ તે પહેલાં જ એટીસીએ વિમાનને જયપુર એરપોર્ટ ઉપર ડાયવર્ટ કર્યું હતું.
આ દરમિયાન એરપોર્ટ ઉપર રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજે, ચીફ સેક્રેટરી સીએસ રાજન સહિતનાં કેટલાંક મંત્રીઓ એરપોર્ટ પહોંચ્યા હતા. વસુંધરાએ વિમાનમાં જ પીએમ સાથે અંદાજે 25 મિનિટ સુધી ચર્ચા કરી હતી.
રાજધાની દિલ્હીમાં રવિવારે સાંજે ધૂળની આંધી બાદ કેટલાંક સ્થળોએ વરસાદ પડ્યો હતો. આવા ખરાબ હવામાનને પગલે દિલ્હી તરફ આવી રહેલી ઘણી ફ્લાઈટ્સને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાંથી એક પીએમની ફ્લાઈટ પણ હતી. દિલ્હી એરપોર્ટનાં એક અધિકારીના જણાવ્યા મુજબ ડાયવર્ટ કરવામાં આવેલી ફ્લાઈટમાં કેટલીક ડોમેસ્ટિક અને અમુક આંતરરાષ્ટ્રિય ફ્લાઈટ્સ પણ હતી.