મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પોલીસે બાઈકની ચોરી કરતા યુવકની ધરપકડ કરી હતી. ગ્વાલિયર શહેર પોલીસે રવિવારે માત્ર એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં રોયલ એનફિલ્ડ બાઇક (બુલેટ)ની ચોરી કરતા બે યુવકોની ધરપકડ કરી હતી. યુવકોએ પોલીસ સ્ટેશનમાં તેમની ચોરીનો ડેમો પણ રજૂ કર્યો હતો.  આ ડેમો દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 






આ યુવકોએ શહેરના ડીડી નગર વિસ્તારમાં બુલેટ ચોરી કરીને છુપાવ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ સિટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (CSP) રવિ ભદોરિયાએ એક ટીમ બનાવી અને તેમને સ્થળ પર મોકલી હતી. આ ટીમ ત્યાં પહોંચતા યુવકોને પોલીસની ટીમે ઘેરી લીધા અને પકડી પાડ્યા હતા.


યુવકોની ઓળખ મુરેના જિલ્લાના રહેવાસી શ્યામ ગુર્જર અને બજના ગુરાજ તરીકે થઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ બાઈક પણ કબજે કર્યા છે.  તેઓએ પોલીસને જણાવ્યું કે તેઓએ માત્ર રોયલ એનફિલ્ડની ચોરી કરી છે કારણ કે તેમને બજારમાં તેની સારી કિંમત મળી છે.  


ભદૌરિયાએ જણાવ્યું હતું કે બંને યુવકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચાલુ છે.