ઝી ન્યૂઝ ચેનલનો પ્રાઇમટાઇમ શો DNA વિવાદમાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં કેરળના વાયનાડમાં રાહુલ ગાંધીના કાર્યાલાય પર થયેલી તોડફોડ અંગે રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને ઝી ન્યુઝના પ્રાઇમટાઇમ શો DNAમાં ઉદયપુરની ઘટના અંગે ખોટી રીતે જોડીને બતાવવામાં આવ્યું હતું. આ નિવેદનની વીડિયો ક્લિપ ચલાવતા પહેલાં,  DNA શોના એન્કર રોહિત રંજને કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ ઉદયપુર હત્યા પર "ચોંકાવનારી" ટિપ્પણીઓ કરી હતી. રોહિત રંજને કહ્યું હતું કે, "અમે તમને રાહુલ ગાંધીના એ નિવેદનને બતાવી રહ્યા છીએ જેમાં રાહુલ ગાંધી ઉદયપુર હત્યાકાંડના આરોપીઓને બાળકો કહ્યા છે,"


ઝી ન્યૂઝ દ્વારા બતાવવામાં આવેલી ક્લિપમાં, ગાંધી દેશમાં હિંસાની તાજેતરની ઘટનાઓનો પણ ઉલ્લેખ કરે છે અને કહે છે, "દેશમાં વાતાવરણ શાસક વહીવટ દ્વારા બનાવવામાં આવ્યું છે." થોડા સમય પછી, વીડિયો ક્લિપમાં રાહુલ ગાંધી કહે છે કે, “જે બાળકોએ આ કર્યું...તેઓએ બેજવાબદારીભર્યું વર્તન કર્યું છે. મને તેમના પ્રત્યે કોઈ ગુસ્સો કે દુશ્મનાવટ નથી...તેઓ બાળકો છે, મને નથી લાગતું કે તેઓ આ પ્રકારની બાબતોના પરિણામોને સમજે છે."


ઝી ન્યુઝે એક બુલેટીનમાં માફી માંગીઃ
આમ પ્રાઈમ ટાઈમ શોમાં રાહુલ ગાંધીના નિવેદનને ખોટી રીતે બતાવ્યા બાદ આ વીડિયો ક્લિપ ખુબ વાયરલ થઈ હતી. સોશિયલ મીડિયા પર લોકોએ આ વીડિયો અંગે ઘણી કોમેન્ટ પણ કરી હતી. મહત્વનું છે કે, રાહુલ ગાંધીનું આ નિવેદન તેમની ઓફિસમાં તોડફોડ કરનાર વિદ્યાર્થીઓ અંગે હતું. જેને ખોડી રીતે ઝી ન્યુઝના શોમાં બતાવાયું હતું. જો કે, શનિવારે એક બુલેટિનમાં, ઝી ન્યુઝે રાહુલના નિવેદનને ખોટી રીતે દર્શાવવા અંગે માફી માંગીને કહ્યું હતું કે, ક્લિપને ખોટા સંદર્ભ સાથે પ્રસારિત કરવામાં આવી હતી. 






આ બનાવ અંગે રાહુલે આપ્યું હતું નિવેદનઃ
ગયા અઠવાડિયે, કેરળ પોલીસે સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલા ઓછામાં ઓછા 25 કાર્યકરોની અટકાયત કરી હતી, જે શાસક સીપીઆઈએમની વિદ્યાર્થી પાંખ છે, તેઓએ બફર ઝોનને ફરજિયાત કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ પ્રત્યે કોંગ્રેસની ઉદાસીનતાના વિરોધમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના મતવિસ્તાર વાયનાડ કાર્યાલય સુધી કૂચ કરી હતી અને કાર્યાલયમાં તોડફોડ કરી હતી.