Corona New Variant:કોરોના વાયરસનું વધુ એક નવું વેરિયન્ચ  સામે આવ્યું છે. ઇઝરાયેલમાં બે પ્રવાસીઓમાં  આ નવા વેરિઅન્ટનું સંક્રમણ જોવા મળ્યું છે.  કોવિડ-19નું આ નવું વેરિયન્ટ  ઓમિક્રોન વેરિઅન્ટના બે  સબ  વેરિઅન્ટ BA.1 અને BA.2નું મિશ્રણ છે.


 ઇઝરાયલમાં કોરોનાના નવા વેરિયન્ટના બે કેસ નોંધાતા ફરી કોરોનાએ ચિંતા જગાડી છે. આ પ્રવાસીમાં કોરોનાના ઓમિક્રોનના બે સબ વેરિયન્ટ BA.1 અને BA.2નું મિશ્રણ જોવા મળ્યું છે. બે પ્રવાસી સંક્રમિત હોવાની જાણકારી સામે આવ્યાં બાદ બંને પ્રવાસીમાં કોરોનાના નવા વેરિયન્ટ BA.1 અને BA.2થી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.


સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ઇઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર ઉતરેલા બે પ્રવાસીઓમાં RTPCR રિપોર્ટમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલાય દ્રારા આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હજુ આ વેરિયન્ટથી દુનિયા તદન અજાણ છે.


આ છે નવા વેરિયન્ટના લક્ષણો


સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આ વેરિયન્ટના 2 કેસ સામે આવ્યાં છે.  આ બંને નવા વેરિયન્ટ સંક્રમિત દર્દીમાં હળવો તાવ, માથામાં દુખાવો,  માંસપેશીનો વિકાર, જેવા લક્ષણો જોવા મળ્યાં છે. જો કે આ દર્દીઓને હજુ કોઇ વિશેષ મેડિકલ સેવાની જરૂર નથી. બંનેમાં કોઇ ગંભીર લક્ષણો નથી દેખાયા. આ નવા વેરિયન્ટથી સંક્રમિત બંને દર્દીમાં કોઇ ગંભીર લક્ષણો  ન જણાતા  ચિંતાનો વિષય નથી.


4 મિલિયન લોકોને લાગી વેક્સિન


ઇઝરાયેલની 9.2 મિલિયન વસ્તીમાંથી ચાર મિલિયનથી વધુ લોકોને કોરોના વાયરસની રસીના ત્રણ ડોઝ લઇ ચૂક્યાં છે. જો કે તેમ છતાં, કોરોનાના કેસ નોંધાયા છે.  ચીનમાં પણ કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. આવી સ્થિતિમાં, આશંકા છે કે તેના કેસ અન્ય દેશોમાં પણ જોવા મળી શકે છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ


 ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 25  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 443  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 05 લોકો વેન્ટીલેટર પર છે. 438 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212304 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,939  લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું છે. 


અમદાવાદ કોર્પોરેશનમાં 12, વડોદરા કોર્પોરેશનમાં 4, બનાસકાંઠા 1, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 2, નવસારી 1, વડોદરા 1, આણંદ 1, ભાવનગર કોર્પોરેશન 1 અને મહેસાણામાં  1  કોરોનાનો નવો કેસ નોંધાયો છે. 


આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહી


અમદાવાદ, અમરેલી, અરવલ્લી,  ભરુચ, બોટાદ, છોટા ઉદેપુર,  દેવભૂમિ દ્ધારકા, ગીર સોમનાથ,  જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, નર્મદા, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, અને વલસાડમાંમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.