જામનગર: કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી MISHTI (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes) યોજના અંતર્ગત મરીન નેશનલ પાર્કમાં 3500 એકર વિસ્તારમાં ચેર (મેન્ગ્રૂવ્સ)ના જંગલોના સર્જન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્ય સરકાર સાથે સમજૂતિ કરાર પર આજે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જામનગર અને દ્વારકાના સાંસદ પૂનમ માડમની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન મંત્રી  મૂળુ બેરા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર તથા રાજ્યસભા સાંસદ  પરિમલ નથવાણીએ આ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. 




આ કરાર અનુસાર, આગામી પાંચ વર્ષમાં રૂ. 510 લાખના ખર્ચે ચેરના વૃક્ષોના વનનું નિર્માણ કરવામાં આવશે. સમુદ્રતટના ક્ષાર પ્રવેશને રોકવા તથા દરિયાઇ ઇકોસિસ્ટમની જાળવણી અને પર્યાવરણ સંતુલનમાં આ ચેર ખૂબ મોટું યોગદાન આપશે. ભૂપેન્દ્ર યાદવ તથા ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલા રાધેક્રિષ્ના ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિશ્વના સૌથી વિશાળ એલિફન્ટ કેમ્પ તથા ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (જી.ઝેડ.આર.આર.સી.) સંચાલિત વિશ્વના મોટામાં મોટા તથા વૈશ્વિક સુવિધાઓ સભર લેપર્ડ રેસ્ક્યુ સેન્ટર તથા અન્ય વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. 


ઉલ્લેખનીય છે કે, આ વિશાળ સંકુલમાં સમગ્ર દેશ અને દુનિયામાંથી રેસ્કયુ કરીને લાવવામાં આવેલા પ્રાણીઓની સારસંભાળ ઉપરાંત તેમની રોજિંદી દિનચર્યા, ખોરાક વ્યવસ્થાપન, વ્યાયામ, તબીબી સારવારની વૈશ્વિક ગુણવત્તાની સેવાઓ રિલાયન્સની સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે કરવામાં આવે છે. સમગ્ર ભારત અને વિદેશમાંથી રેસ્ક્યુ કરાયેલા હાથી, દીપડા, મગર, સહિતના વન્ય પ્રાણીઓની અહીં વૈજ્ઞાનિક અભિગમ સાથે જે રીતે યોગ્યરીતે સારસંભાળ લેવામાં આવે છે તેનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને કેન્દ્રિય વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે મુક્તકંઠે પ્રશંસા કરી હતી.




આ કાર્યક્રમમાં કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ગુજરાત રાજ્યના વન મંત્રી મૂળુ બેરા, અને જામનગર અને દ્વારકાના સાંસદ  પૂનમબેન માડમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર તથા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી, રાજકોટના ધારાસભ્ય  ઉદય કાનગડ, વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના સ્પેશ્યલ સેક્રેટરી અને ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ ચંદ્ર પ્રકાશ ગોયલ, ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ એસ.કે.ચતુર્વેદી તથા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial