જામનગર: ગુજરાતના જામનગર શહેરમાં 4.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જામનગરથી 14 કિલોમીટર દૂર ભૂકંપનું કેંદ્ર બિંદુ નોંધાયું છે. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ગુજરાતમાં જામનગરની સાથે ઉત્તર પ્રદેશ અને કશ્મીર બે રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિકો આ કારણે ડરી ગયા હતા પરંતુ ખાસ જાનહાનિ જોવા મળી નહોતી. ઉત્તરપ્રદેશના મેરઠમાં ભૂકંપના ઝટકા અનુભવાયાં હતા. જેની તીવ્રતા 2.7ની નોંધાઈ હતી. જમ્મુ કશ્મીરના કટરામાં આજે વહેલી સવારે 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
મિઝોરમાં પણ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ભૂકંપ મણિપુરના ઉખરુલ વિસ્તારમાં રાત્રે 9.02 વાગ્યે આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં આ બીજી વખત છે જ્યારે ઉત્તર-પૂર્વના કોઈપણ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
જમ્મુ કાશ્મીરમાં ભૂકંપ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આજે સવારે 5.08 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ કટરાથી 54 કિમી દક્ષિણપૂર્વમાં 5 કિમીની ઉંડાઈ પર હતું. વળી, આજે સવારે 7.03 વાગ્યે મેરઠ નજીક 2.7 ની તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિમી નીચે હતું. આમાં કોઈ જાનહાનિ કે જાનમાલનાં નુકસાનનાં સમાચાર નથી. હિમાચલ પ્રદેશનાં કિન્નૌર જિલ્લામાં રવિવારે 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનાં એક અધિકારીએ કહ્યું હતું કે, જાનમાલના નુકસાનનો કોઈ અહેવાલ સામે આવ્યો નથી. અધિકારીએ જણાવ્યું હતુ કે, ભૂકંપનું કેન્દ્ર કિન્નૌરમાં જમીનથી 10 કિમી નીચે સ્થિત હતું. 1.13 વાગ્યે આંચકા અનુભવાયા હતા.