જામનગર: એક તરફ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જામનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સપડા ગામ નજીક સપડા ડેમમાં પાંચ લોકો ડૂબ્યા હોવાની વાત સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ લોકોમા મોત થયા છે.




ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કરવાની કામગીરી શરુ કરી હતી. સામે આવેલી વિગતો અનુસાર ફાયર વિભાગે 4 વ્યક્તિના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જો કે, એક વ્યક્તિનો મૃતદેહ શોધવામાં ફાયર બ્રિગેડને ભારે મહેનત કરવી પડી હતી. આ પાંચ મૃતકોમાં એક જ પરિવારના 3 લોકો હતા. 5 લોકોના અચાનક મોત થતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તો બીજી તરફ નદી કાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.


ધોરાજીમાં મહોરમ દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતાં 15 લોકોને લાગ્યો વીજ કરંટ


 આજે દેશભરમાં મહોરમનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજકોટના ધોરાજીમાં એક ઘટના બની છે. ધોરાજીના રસુલપરા વિસ્તારમાં ઝુલુસ દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતાં શોર્ટ સર્કિટ થઈ હતી. જેમાં 15 જેટલા લોકોને કરંટ લાગતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. PGVCL ની વીજ લાઈનમાં તાજિયો અડી જતાં ઘટના બની હતી. ઇજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ તેમજ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્રણ વ્યક્તિઓ વધુ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. હોસ્પિટલોમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. સામે આવેલા નવા અપડેટ પ્રમાણે, સારવાર લઇ રહેલા  બે વ્યક્તિઓના હૉસ્પિટલમાં મોત થયા છે.


ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મોહરમના જુલૂસ દરમિયાન એક મોટી દૂર્ઘટના ઘટી હતી. અહીં હાઇટેન્શન લાઇનને કારણે કુલ 13 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા, જેમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે 9 લોકોની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ, આ ઘટના બોકારોના બર્મો વિસ્તારના ખેતરોમાં સવારે લગભગ 6 વાગ્યે ઘટી હતી. તમામ લોકો મોહરમમાં તાજિયાનું જુલુસ લઈને જઇ રહ્યાં હતા, ત્યારે 11000 વૉલ્ટના વાયરની ઝપેટમાં આવી ગયા હતા.


ઘટના દરમિયાન સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે, તાજિયા ઉપાડતી વખતે ઉપરથી પસાર થતી 11,000 હાઈટેન્શન લાઈન તાજિયામાં ફસાઈ ગયા હતા, જેના કારણે તાજિયાના જુલુસમાં રાખવામાં આવેલી બેટરી બ્લાસ્ટ થઈ હતી. લોકોએ તાત્કાલિક તમામ ઘાયલોને ડીવીસી બોકારો થર્મલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા, સાથે જ એમ્બ્યૂલન્સની ગેરહાજરી અને હોસ્પિટલમાં ખરાબ વ્યવસ્થાને લઈને લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, બાદમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ બોકારો મોકલવામાં આવ્યા છે.