જામનગર: રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરના કારણે ઘણા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો હવે જામનગર શહેરમાં રખડતા ઢોરની અડફેટે આવતા આધેડનું મોત થયું છે. શહેરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતા ભરતભાઈ બોસમીયા નામના આધેડ રખડતા ઢોરના આતંકનો ભોગ બન્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ભરતભાઈ તેમના ઘરેથી બહાર નીકળ્યા ત્યારે તેઓના ઘર પાસે રસ્તે રઝળતા ઢોરે અડફેટે લેતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી.
ગંભીર ઇજાઓ પહોંચતા તેમને હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા. જો કે હોસ્પિટલે પહોંચે તે પહેલા જ તેઓનું મૃત્યુ નીપજ્યું. બે દિવસ પહેલા પણ આવી ઘટના સામે આવી હતી. ત્યારે રખડતા ઢોરે એક વૃદ્ધને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, હાલમાં અમદાવાદ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. રખડતા ઢોક અંગે કોઈ નક્કર કાર્યવાહી ન કરતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેર પોલીસનું કારસ્તાનઃ ટ્રાફિક પોલીસ ચોકીમાં જ દારુ પાર્ટી કરતા પોલીસ કર્મચારી ઝડપાયા
અમદાવાદઃ હાલ દારુબંધીને લઈ પોલીસ જ વિવાદમાં આવી રહી છે અને રાજ્યમાં દારૂબંધીનાં લીરેલીરા ખુદ પોલીસ ઉડાવી રહી છે. પાછલા ઘણા સમયથી દારુના નામે પોલીસ બદનામ થઈ રહી છે ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. વાત એમ છે કે, અમદાવાદ શહેર પોલીસના જવાનો નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમની પોલીસ ચોકીમાં જ દારુ પીતાં ઝડપાયા છે.
એબીપી અસ્મિતાને માહિતી મળી હતી કે સરદાર પટેલ સ્ટેડિયમ ચોકીમાં ખુલ્લેઆમ દારુની પાર્ટી થઈ રહી છે. આ બાતમીની તપાસ કરવા માટે એબીપી અસ્મિતાની ટિમ જાત તપાસ માટે આ ચોકી પર પહોંચી હતી જ્યાં બાતમી સાચી પડી હતી. સરદાર પટેલ સ્ટેડિયમ ટ્રાફિક પોલીસ ચોકીમાં ખુલ્લેઆમ દારૂ પિતા પોલીસ કર્મચારીઓ ઝડાપાયા હતા. આમ રાજ્યમાં દારુબંધીના કાયદાનો ખુદ પોલીસ જ ભંગ કરતાં રંગે હાથ ઝડપાયા હતા. એબીપી અસ્મિતાના રિપોર્ટર જ્યારે પોલીસ ચોકીમાં પહોંચ્યા ત્યારે દારુની બોટલ સાથે પોલીસ કર્મચારીઓ જોવા મળ્યા હતા. આ સાથે પોલીસ ચોકીમાંથી દારુની બોટલ ઝડપાઈ હતી.
પોલીસ કર્મીઓ સામે થશે કાર્યવાહીઃ
મહત્વનું છે કે, સરદાર પટેલ સ્ટેડિયમ પોલીસ ચોકી ટ્રાફિકથી વ્યસ્ત રહેતા સીજી રોડ પર આવેલી છે. આ સીજી રોડ પર લોકોની અવર-જવર સતત રહેતી હોય છે. આ પહેલાં પણ રાજ્યમાં ઘણી જગ્યાએથી પોલીસ દારુનો વહિવટ કરતી હોય તેવા બનાવ સામે આવી ચુક્યા છે. ત્યારે હવે અમદાવાદ શહેરમાં પણ પોલીસ જ દારુની મહેફિલ કરતી હોવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એબીપી અસ્મિતા સાથે વાતચીતમાં જણાવ્યું કે, "અમદાવાદ પોલીસ દારુબંધીનો અમલ કરાવવા માટે કામ કરી છે. દારુબંધીના કાયદાનો ભંગ કરનારા આવા પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરનાં પગલાં લઈશું."