જામનગર: જેને જન્મતા વેંત જ તેની માતાએ કચરામાં ફેંકી દીધું તે બાળક ભલે બોલી ના શકે પણ તેનો આત્મા કહેતો હશે એ મા મારો શું વાંક....? મને શા માટે કચરામાં ફેંકી દેવાયો....વાત છે જામનગર શહેરની જ્યાં શરૂ સેક્શન રોડ પર કચરામાંથી આજે વહેલી સવારે ત્યજી દીધેલ નવજાત બાળક હોવાની માહિતી સ્થાનિકોએ પોલીસ અને 108 ને આપતા પોલીસે સ્થળ પર દોડી જઈ અને 108 મારફત બાળકને હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું. 




કોઈ અજાણી વ્યક્તિ કે મહિલા પોતાનું પાપ છુપાવવા નવજાત શિશુને કચરામાં ફેંકી ફરાર થઇ ગઈ હોય તે દિશામાં પોલીસ હવે આગળ તપાસ હાથ ધરશે. હાલ નવજાત બાળક જે બાબો છે તેની બેબી વોર્ડમાં સારવાર ચાલી રહી છે.


રાજ્યમાં હાર્ટએટેકથી વધુ એકનું મોત


રાજ્યમાં છેલ્લા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. રાજકોટના જેતપુરમાં એક યુવાનનું હાર્ટએટેકથી નિધન થયું છે. જેતપુરના જોડિયા હનુમાન મંદિર પાસે 40 વર્ષીય અશોક ચૌધરીને કારખાનામાં એટેક આવ્યો હતો, જેના કારણે તેનું નિધન થયું હતું. હાલ યુવકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


તાજેતરમાં માણાવદરમાં બાવાવાડી વિસ્તારમાં રહેતા રહેતા એક 28 વર્ષીય યુવાનનું હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું. બનાવને લઈ માણાવદર શહેરમાં આવેલા અરેરાટી મચી ગઈ હતી. માણાવદર બાવાવાળી વિસ્તારમાં રહેતા કેવલ શશશીકાંતભાઈ નિમાવત (ઉં.વ.28) ફાસ્ટ ફૂડનો વ્યવસાય કરે છે અને શ્રાવણ માસમાં માણાવદરના ત્રંબકેશ્વર મહાદેવ એટલે કે મહાદેવીયા મંદિર ખાતે દર સોમવારે મેળો ભરાય છે ત્યાં ફાસ્ટ ફૂડનો સ્ટોલ નાંખે છે. મેળામાં યુવાને ફાસ્ટ ફૂડનો સ્ટોલ હોવાથી ત્યાં ગયો હતો અને અચાનક જોરદાર હાર્ટએટેક આવતા ત્યાં જ ઢળી પડ્યો હતો. હાર્ટએટેક આવતા લોકોએ તાત્કાલિક હોસ્પિટલમાં સારવારમાં ખસેડ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલાં જ યુવાનનું મોત નીપજ્યું હતું.  




બે દિવસ પહેલા સુરત શહેરમાં RAF જવાનનું હાર્ટ એટેકથી નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને સુરતમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધરમપાલ (ઉં.વ 58) લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન અચાનક જ તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. જે બાદ તેઓેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં તબીબ દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તબીબે તેમના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટક જણાવ્યું હતું.  RAF જવાનના મૃત્યુના દુઃખદ સમાચાર તેમના પરિવારજનોને આપવામાં આવતા પરિવારમાં માતમ છવાયો હતો. રાજકોટમાં 60 વર્ષીય રાજેન્દ્રભાઈ કાંતિલાલ ઠાકરનું હૃદયરોગનાં જીવલેણ એટેકથી મોત થયું હતું. રાજેન્દ્રભાઈને સ્વિમિંગ કર્યા બાદ તેમણે છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જે બાદ તેઓને એમ્બ્યુલન્સમાં મારફત હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવારમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.