Jamnagar Fighter Jet Crash: ગુજરાતના જામનગરમાં ભારતીય વાયુસેના સ્ટેશન નજીક બુધવારે (2 એપ્રિલ) રાત્રે એરફોર્સનું એક જગુઆર ફાઇટર પ્લેન એક ગામમાં ટ્રેનિંગ મિશન દરમિયાન ક્રેશ થયું હતું. આ દરમિયાન એક પાયલટ સુરક્ષિત બહાર નીકળી ગયો પરંતુ બીજા પાયલટનું મોત નીપજ્યું હતું. એક પાયલટ ગઈ રાતથી ગુમ હતો અને તેને શોધવા માટે એક ટીમ તૈનાત કરવામાં આવી હતી. ક્રેશ થયા બાદ દૂર-દૂર સુધી પ્લેનનો કાટમાળ વિખેરાયો હતો. ફાઈટર પ્લેન ક્રેશ થવાનું કારણ અકબંધ છે.
ઈન્ડિયન એરફોર્સ દ્ધારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક પાયલટ સુરક્ષિત છે જ્યારે બીજા પાયલટનું મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત ટેકનિકલ ખામીને કારણે થયો હતો. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે જામનગર શહેરથી લગભગ 12 કિમી દૂર સુવરદા ગામમાં એક ખુલ્લા મેદાનમાં રાત્રે લગભગ 9: 30 વાગ્યે ફાઇટર પ્લેન ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ હતી. વિમાન દુર્ઘટનાના કારણો પણ જાણી શકાયા નથી.
પોલીસ અધિક્ષક ડેલુએ જણાવ્યું હતું કે, "દુર્ઘટના પહેલા એક પાયલટ વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો જ્યારે બીજો હજુ પણ ગુમ છે." ક્રેશ થયા બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી. પોલીસ અને ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને ગુમ થયેલા પાયલટની શોધ શરૂ કરી હતી. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે ઘાયલ પાયલટને શહેરની સરકારી જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
આ ઘટના બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કેતન ઠક્કર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે અકસ્માતને કારણે ખુલ્લા મેદાનમાં લાગેલી આગ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બુઝાવવામાં આવી હતી. ડીએમ કેતન ઠક્કરે જણાવ્યું, "અમે ઘાયલ પાયલટને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. વિમાન ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું, પરંતુ કોઈ નાગરિકની જાનહાનિ થઈ નથી."
એક મહિનામાં બીજી જગુઆર દુર્ઘટના
7 માર્ચના રોજ ભારતીય વાયુસેનાનું ડીપ પેનિટ્રેશન સ્ટ્રાઈક એરક્રાફ્ટ જગુઆર અંબાલામાં ક્રેશ થયું હતું. આ વિમાન અંબાલા એર બેઝથી તેની નિયમિત ઉડાન ભરી રહ્યું હતું. ઉડાન ભર્યાના થોડા સમય પછી પંચકુલા નજીક ફાઇટર ક્રેશ થયું હતું. જગુઆર ફાઇટર વિમાન ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. ભારતીય વાયુસેના પાસે જગુઆર ડીપ પેનિટ્રેશન સ્ટ્રાઈક ફાઈટરના 6 સ્ક્વોડ્રન છે. આ વિમાનને અપગ્રેડ કરવાનું કામ ચાલુ છે.