જામનગર: 'ઓપરેશન સિંદૂર'થી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, અમૃતસર, રાજસ્થાન અને ગુજરાતના સરહદી શહેરોને નિશાન બનાવી રહ્યું છે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સૌથી મોટા સમચાર સામે આવ્યા છે. જામનગર શહેરમાં સાયરન વાગ્યું છે. એરફોર્સ સ્ટેશન જામનગર તરફથી મળેલી વોર્નિંગના અનુસંધાને સાયરન વાગ્યું હતું.
જામનગર શહેરમાં અને જામનગર જિલ્લામાં આપત્કાલીન સ્થિતિ બાબતે સાયરન વગાડવામાં આવ્યું છે. લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે અને કોઈપણ વ્યક્તિએ બહાર ન નિકળવા સૂચના આપવામાં આવી છે. જામનગર કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે, તમામ વેપાર અને ધંધાના વ્યક્તિઓને વિનંતી છે કે આજનો દિવસ બંધ રાખી સહયોગ આપે.
જામનગર ટાઉન હોલ વિસ્તારમાં બપોરે સાયરન વાગ્યું હતું. જામનગરમાં સાયરન વાગતા લોકોને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ સિવાય લોકોને ઘરની અંદર જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જામનગર કલેક્ટર દ્વારા લોકોને સાવધાન રહેવા સૂચન કરાયું છે.
કચ્છમાં પાકિસ્તાને ડ્રોનથી કર્યા હુમલા
પાકિસ્તાને કચ્છ પર ડ્રોન હુમલાઓ કર્યા હતા. ભારતીય સેનાએ કચ્છમાં પાકિસ્તાનના છ ડ્રોન તોડી પાડ્યા હતા. વાયુસેનાએ ભૂજ પાસે બે પાક. ડ્રોન તોડી પાડ્યા હતા. જ્યારે નલિયા પાસે ચાર પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં ડ્રોનના અનેક હુમલાઓ નિષ્ફળ કરાયા હતા. સરહદી વિસ્તાર જ નહી પરંતુ ભુજ સુધી ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. પાકિસ્તાની ડ્રોન ગાંધીધામ સુધી પહોંચ્યું હતું. સમગ્ર કચ્છ જિલ્લામાં વધારાનો બંદોબસ્ત કરાયો હતો. ભુજ, ગાંધીધામના અનેક રસ્તાઓ પર બેરીકેટ લગાવાયા હતા.
આદિપુરમાં પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું હતું. તે સિવાય અબડાસામાં જોવા મળેલું પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું હતું. કચ્છ કલેક્ટરે સોશિયલ મીડિયા મારફતે લોકોને અપીલ કરી હતી. તેમણે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી. ભૂજમાં મોટાભાગના વિસ્તારોમાં વાહન વ્યવહાર બંધ કરાયો. નખત્રાણા, લખપત, નલિયા વિસ્તારમાં સુરક્ષા વધારાઈ હતી.
ભુજ શહેરમાં ઈમરજન્સી સિવાય તમામ વેપાર ધંધા બંધ રાખવાનો આદેશ કરાયો હતો. કરછ કલેક્ટર દ્વારા તમામ જનતાને આદેશ અપાયો હતો. ભુજ શહેરમાં તમામ વેપાર ધંધા બંધ કરાયા હતા. લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરાઇ હતી. કામ સિવાય ઘરની બહાર ના નીકળવા માટે પણ અપીલ કરાઇ હતી.
સવારે કચ્છની સરહદે પાકિસ્તાનનો વધુ એક ડ્રોન હુમલો ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો. . અબડાસાના નાની ધ્રુફી ગામ પાસે ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું. હાલની સંવેદનશીલ સ્થિતિને જોતા કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને કોઇ જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઇ છે.