Jamnagar: જામનગર જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિના કારણે અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયેલ છે. જિલ્લામાં આર્મી, એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ. તથા જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર ઓછામાં ઓછી જાનહાની થાય તે માટે સતત પ્રયાસરત છે. ત્યારે જોડીયામાં ચાર દિવસથી ફસાયેલા એક આઠ સભ્યોના પરિવાર માટે તંત્ર તથા ભારતીય સેના દેવદૂત સાબિત થઈ છે.




ઘટનાની વિગત પ્રમાણે ધ્રોલ પ્રાંત અધિકારીએ જામનગર 27 મદ્રાસના કમાન્ડિંગ ઓફિસરને દુરવાણી સંદેશ મારફત જણાવેલ કે આઠ સભ્યોનો એક પરિવાર જામનગર જિલ્લાના જોડીયા ગામમાં ભારે વરસાદના કારણે ફસાઈ ગયો છે. સંદેશો મળતા જ ફસાયેલા લોકોને બચાવવા માટે સંપૂર્ણ બચાવ સાધનો સાથે મેજર આનંદની રાહબરી હેઠળની એક ટીમ જામનગર મિલિટરી સ્ટેશનથી તાત્કાલિક જોડીયા જવા રવાના થઈ હતી.


આર્મી ટીમને સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે અહીં કુલ આઠ વ્યક્તિઓ ફસાયેલા છે જેમાં આઠ વર્ષથી નીચેના છ બાળકોનો પણ સમાવેશ થાય છે અને આ લોકો છેલ્લા ચાર દિવસથી આ સ્થળે ફસાયેલા છે. સ્થાનિક પ્રશાસને આ લોકોને બહાર કાઢવા ખૂબ પ્રયત્નો કરેલ જે બાદ આર્મીની મદદ લેવાની જરૂરિયાત ઉભી થઈ હતી. 




સ્થિતિની ગંભીરતાને સમજી યુદ્ધના ધોરણે જામનગરથી જોડીયા પહોંચેલી આ ટીમે તમામ સંસાધનો કામે લગાડી, ધસમસતા પ્રવાહનો સામનો કરી, ભારે જહેમત બાદ આ તમામ આઠ વ્યક્તિઓને હેમખેમ બચાવી લીધા હતા અને તમામને આરોગ્ય કેન્દ્ર જોડિયા ખાતે મોકલવામાં આવ્યા હતા.


ગુજરાતમાં વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામીએ કરી દીધી મોટી આગાહી




ગોસ્વામીએ જણાવ્યું કે, "છેલ્લા 36 કલાકથી કચ્છ પર સ્થિર રહેલું આ ડીપ ડીપ્રેશન આજે બપોરે 2 વાગ્યાથી પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. અમારી આગાહી મુજબ, આ સિસ્ટમ 30 ઓગસ્ટે અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે. તેમણે ઉમેર્યું કે, "જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વધુમાં, આ ડીપ ડીપ્રેશન વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને જો આવું થશે તો 48 વર્ષનો રેકોર્ડ તોડશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આગામી 24થી 36 કલાક દરમિયાન વરસાદની આગાહી કરી છે. જોકે, ગોસ્વામીએ જણાવ્યું કે વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે, પરંતુ પવનની ગતિ વધશે. ગોસ્વામીએ વધુમાં ચેતવણી આપી કે, "પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના રહેવાસીઓએ આગામી 24થી 36 કલાક સુધી સાવધાન રહેવું જોઈએ.