જામનગરઃ જામનગરમાં ભાજપના ટોચના નેતાના ભાઈ પર જ હુમલો થતાં ચકચાર મચી છે. જામનગર શહેરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાના ભાઈ પર રાજભા જાડેજા પર સોમવારે બપોરે ઝાખર અને કજૂરડા ગામ પાસે કેટલાક શખ્સોએ હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. રાજભા જાડેજાને લોહીલુહાણ હાલતમાં જામનગરના ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે. તેઓનું સિટી સ્કેન કરાયા પછી માથામાં ટાંકા લેવા પડ્યા હતા.
જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા)ના ભાઈ રાજભા જાડેજા પર સોમવારે બપોરે ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીકના ઝાખર અને કજૂરડા ગામ પાસે હુમલો થયો હતો. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થતાંમ ઉશ્કેરાયેલા સીંગચ અને ઝાખર ગામના શખ્સોએ રાજભા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજભાને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને લોહીલુહાણ થઈ ગયા હતા. રાજભાને તાત્કાલિક રીતે સારવાર માટે જામનગર ખસેડાયા છે.
જામનગરમાં એક ખાનગી ક્લિનિકમાં લઈ જવાયેલા રાજભાને માથામાં ગંભીર ઈજા થઈ નથી તેની ખાતરી કરવા માટે સિટી સ્કેન કરવાનો અભિપ્રાય અપાયો હતો. તેમને તાત્કાલિક અન્ય ક્લિનિકમાં સિટી સ્કેન માટે ખસેડાયા હતા પણ તેમાં ચિંતાજનક કશું લાગ્યું નહોતું. રાજભાને માથામાં થયેલી ઈજાના કારણે ટાંકા લેવા પડયા છે.
આ બનાવની જાણ થતાં ક્લિનિક પર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ સહિતના જામનગર શહેરના ભાજપના અન્ય હોદ્દેદારો, કોર્પોરેટરો દોડી આવ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હોદ્દેદારો વગેરે સહિતના રાજકીય આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો અને રાજભાના મિત્રો દોડી આવ્યા હતા. પોલીસ કાફલો પણ દોડી ગયો હતો.
આ બનાવની ફરીયાદ નોંધવા માટે તજવીજ કરવામાં આવી રહી છે. ખંભાળિયાની એક પોલીસ ટુકડી જામનગર પહોંચી હતી. રાજભા જાડેજા ની ફરિયાદના આધારે ઝીરો નંબરથી ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.