જામનગર: જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની જામનગર શહેરની શાખા અને જામજોધપુર તાલુકાની ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકની શાખામાં કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ કૌભાંડને પગલે આઠ જેટલા કર્મચારીઓને સસ્પેશનના પગલા ભરવામાં આવ્યા છે અને પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કુલ 40 શાખાઓ ધરાવતી જાણીતી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકમાં કરોડો રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જામજોધપુર તથા જામનગર તાલુકાની બે શાખાઓમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા આ અંગેની તપાસમાં બંને બ્રાંચોમાંથી કરોડો રૂપિયાના કૌભાંડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. બેન્કના એક સિનિયર ઓફિસર, ચાર બ્રાન્ચ મેનેજર, બે ક્લાર્ક તથા એક પટાવાળા મળી કુલ આઠ કર્મચારીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું ખુલતા તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ બેંકમાં આર્થિક કૌભાંડોને અંજામ આપનારા કર્મચારીઓ સામે પણ સી.આઇ.ડી. ક્રાઇમ વિભાગમાં ફરિયાદ અંગેની કાર્યવાહી કરવામાં આવનાર છે અને નજીકના ભવિષ્યમાં આવા કૌભાંડોની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કરી અને તપાસ બાદ તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે.
રાજ્યમાં આજથી હીટવેવની આગાહી
રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉંચકાવા લાગ્યો છે અને સતત બીજા દિવસે સાત શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો છે. અમદાવાદમાં 42.3 ડિગ્રી સાથે સિઝનમાં પ્રથમવાર ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થયો હતો. અમદાવાદમાં 42.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા ચાર ડિગ્રી વધારે નોંધાયો હતો.
અમદાવાદમાં આગમી ત્રણ દિવસ મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તો આજે અને આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, સુરેંદ્રનગરમાં, જ્યારે બુધવારે બનાસકાંઠામાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચી ગયો હતો. ડીસામાં ગરમીનો પારો 41. 6 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે રાજકોટમાં ગરમીનો પારો 41.3 ડિગ્રી પર પહોંચ્યો હતો.