જામનગર: જામનગર(Jamnagar)માં  13 સપ્ટેમ્બરે પડેલા ભારે વરસાદને પગલે પુર અને પાણી ભરાવવાથી અનેક જગ્યાએ તારાજીના દૃશ્યો સર્જાયા હતા તેમજ ભારે નુકસાની થઇ છે. આ નુકસાનીનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ  ( Bhupendra Patel) જાત નિરીક્ષણ કરવા જામનગર પહોચ્યા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જામનગરના ધુંવાવ ગામની મુલાકાત કરી વરસાદી અસરનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યપ્રધાને ધુંવાવની સરકારી શાળામાં ગામના આગેવાનો સાથે ચર્ચા કરી. નિરીક્ષણ બાદ જીલ્લા વહીવટી તંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેંધ્ર પટેલે બેઠક કરી હતી અને બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.


મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે  કહ્યું જામનગર ગ્રામ્યમાં વરસાદને કારણે 4760 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે અને 144 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રાથમિક નિરીક્ષણમાં 41 હજાર હેક્ટર જમીનને નુકસાન થયું હોવાનો અંદાજ છે. તેમણે કહ્યું સફાઈ, આરોગ્ય વગેરેની ટીમો બનાવીને તેમજ સર્વેની ટીમે અત્યારે કામ કરવાનું શરૂ કરી દીધું છે. મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે કહ્યું કે 84 ગામોમાં વીજળી ગઈ છે એ આવતીકાલ 15 સપ્ટેમ્બર સાંજ સુધીમાં 100 ટકા પૂર્વવત થઇ જશે.


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે જામનગર શહેરમાં પણ અમુક નીચાણવાળા ભાગોમાં રેસ્ક્યુની ટીમ દ્વારા 724 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે અને 1146 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લગભગ 10 હજાર ફૂડ પેકેટ બનાવી વિતરણ કરવા માટે આપી દીધા છે. તેમણે કહ્યું કે સફાઈ અને આરોગ્યની ટીમ જેટલું બને એટલું ઝડપથી સફાઈ થઇ જાય અને રોગચાળો ન ફેલાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વરસાદના કારણે ખેતીની સાથે પશુધનને પણ નુક્સાન થયું છે, જેનો પણ સર્વે કરવા માટે આદેશ આપી દેવાયા છે. વરસાદથી થયેલી નુકસાનીની સહાય અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે સર્વેના જે રીપોર્ટ આવશે ત્યારબાદ સહાય અંગે વિચારણા કરવામાં આવશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી સૌથી વધુ  અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદથી તેમને થયેલા નુકશાનની વિગતો જાણી હતી. ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ  સાંભળીને તમામ વિગતો  મેળવી હતી. મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.