Heart Attack: રાજયના બે વિદ્યાર્થીઓના હાર્ટએટેકથી નિધન થયા છે. યુવાઓ બાદ હવે તરુણ વયના લોકોમાં પણ હાર્ટએટેકનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તે ચિંતાનો વિષય છે. મૂળ જામનગર શહેરના કામદાર કોલોનીમાં વસવાટ કરતા વેપારી સચિનભાઈ ગઢેચા નો પુત્ર મુંબઈ કાંદિવલીમાં ધોરણ 9 માં અભ્યાસ કરતો હતો, એવામાં ગઈકાલે યોગા કરતા સમયે ઓમ નામના આ 13 વર્ષીય તરુણને બેચેની થઇ અને હાર્ટએટેક આવી જતા મુંબઈથી જામનગર પરિવારને આ સમાચાર મળતા પરિવારના સભ્યો મુંબઈ ખાતે દોડી ગયા હતા. આજે બપોરે ઓમ નામના આ 13 વર્ષીય તરુણના મૃતદેહને લઈને જામનગર ખાતે આવી પહોચ્યા હતા, જામનગર નિવાસ સ્થાન ખાતે મૃતદેહ પહોચતા પરિવારજનો ભારે કલ્પાંત કર્યો હતો. કારણ કે પરિવારનો લાડકવાયો 13 વર્ષીય તરુણ અચાનકથી પરિવારમાંથી વિદાય લેતા પરિવાર પર આભ તૂટી પડ્યાની સ્થિતિ જોવા મળી હતી.


જેતપુરમાં 18 વર્ષની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મૃતક વિદ્યાર્થીની સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી હતી. BCAમાં અભ્યાસ કરતી કશીશ પીપળવાનું હોસ્ટેલમાં મોત થયું હતું. મૃતક વિદ્યાર્થિની મુળ જામકંડોરણા તાલુકાના જામદાદરની રહેવાસી હતી. મૃતક વિદ્યાર્થિનીને બે વર્ષથી વાલ્વની બિમારી હતી. હાર્ટ એટેકથી મોત થયાનું જેતપુર સરકારી હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું.


આજકાલ લોકો 40 વર્ષની ઉંમરે અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. અગાઉ, મોટાભાગના લોકોને 60 વર્ષની ઉંમરે હૃદય રોગનું જોખમ હતું. તે જ સમયે, મોટાભાગના લોકો 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકનો શિકાર બને છે. પાછલા કેટલાક વર્ષોમાં, 40 વર્ષની વયના કલાકારોથી લઈને સામાન્ય લોકો સુધીના દરેક લોકો હાર્ટ એટેકનો શિકાર બન્યા છે. હૃદય સંબંધિત બિમારીઓને કારણે મોટાભાગના લોકો નાની ઉંમરમાં જ મૃત્યુ પામી રહ્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે લોકો 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.


ડોકટરો અને આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાં હૃદયરોગના હુમલાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. 20 વર્ષની ઉંમરના છોકરાઓ અને 30 વર્ષની મહિલાઓ પણ હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહી છે. હૃદયરોગના કારણે અનેક લોકો ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ રહ્યા છે. યુરોપિયનોની સરખામણીમાં ભારતીયો અકાળે હૃદયરોગના હુમલાથી પીડાય છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી અને ઊંઘની પેટર્ન માનવામાં આવે છે.


આજની પેઢી ઘણા તણાવમાં જીવી રહી છે. જેના કારણે તે નાની ઉંમરમાં જ ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી બીમારીઓનો સામનો કરી રહ્યો છે. જેના કારણે યુવા પેઢી દરરોજ હાર્ટ એટેકનો શિકાર બની રહી છે. જે બીમારીઓ 60 વર્ષની ઉંમરે થતી હતી તે 40 વર્ષની ઉંમરે થાય છે, આ ભારતીય સમાજનું કડવું સત્ય છે અને આપણે તેને સમયસર સુધારવાની જરૂર છે.