Rivaba Jadeja on Ravindra Jajdeja, IND vs AUS, 2nd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ જીતમાં ટીમ ઈન્ડિયા માટે રવિન્દ્ર જાડેજા હીરો રહ્યો હતો. તેણે બંને ઇનિંગ્સમાં થઈ 10 વિકેટ ઝડપી હતી. આ મેચ બાદ રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ મોટું નિવેદન આપ્યું છે.


ANI સાથે વાત કરતા રિવાબા જાડેજાએ કહ્યું કે, હું ટીમ ઈન્ડિયાને સૌથી પહેલા અભિનંદન આપવા માંગુ છું, કારણ કે દિલ્હી ટેસ્ટ જીત્યા બાદ આપણે ત્રણેય ક્રિકેટ ફોર્મેટમાં પ્રથમ સ્થાને આવી ગયા છીએ. અને રવિન્દ્ર જાડેજાએ જે રીતે ટીમમાં યોગદાન આપ્યું છે. હું ખૂબ જ ખુશ છું કે તેણે ઈજામાંથી પરત ફર્યા બાદ શાનદાર પ્રદર્શન કર્યું છે.


ગંભીર ઈજા પછી સારું પ્રદર્શન કરવું મુશ્કેલ છે - રિવાબા


રિબાબાએ વધુમાં જણાવ્યું હતું કે તેણે દેશ માટે જે પ્રદર્શન કર્યું છે અને આટલા લાંબા સમય બાદ પરત આવીને શાનદાર પ્રદર્શન કરવા બદલ હું ખૂબ જ ખુશ છું. જ્યારે તમને ગંભીર ઈજા થાય છે અને ઓપરેશન થાય છે, ત્યારે કોઈપણ ખેલાડી માટે વાપસી કરવી અને સારું પ્રદર્શન કરવું મુશ્કેલ હોય છે.


જાડેજાની પ્રથમ પ્રાથમિકતા ક્રિકેટ - રિવાબા


જાડેજાની ઈજાના સમય અંગે રિવાબાએ કહ્યું કે 'કોઈ વ્યક્તિ માટે ચાર મહિના પછી શારીરિક અને માનસિક રીતે પુનરાગમન કરવું ખૂબ જ પડકારજનક છે. કારણ કે તમે તમારી સ્થિતિ જાણતા નથી.” “જો કે હું રવિન્દ્ર માટે કહેવા માંગુ છું કે તે ખૂબ જ સારો છે. તેની પ્રથમ પ્રાથમિકતા ક્રિકેટ છે.


દિલ્હી ટેસ્ટમાં જાડેજાનું પ્રદર્શન


દિલ્હી ટેસ્ટ જીતીને ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ દરમિયાન જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે બીજી ઇનિંગમાં તેણે કુલ 7 વિકેટ ઝડપી હતી. તેણે 10 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી હતી. તેથી જ તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.


ક્યારથી શરૂ થશે ત્રીજી ટેસ્ટ


1 માર્ચથી ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ રમાશે. આ પછી સિરીઝની ચોથી મેચ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે. ટેસ્ટ શ્રેણી બાદ ત્રણ મેચની વનડે શ્રેણી પણ રમાશે. તે 17 માર્ચથી શરૂ થશે.