સગીરાને ઉંઘની દવા પીવડાવી ચાર શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ ચારેય યુવક બળાત્કાર ગુજાર્યા બાદ ફરાર થઈ ગયા હતા.
જામનગરઃ જામનગરના યાદવનગરમાં રહેતી 17 વર્ષની સગીરા પર ચાર શખ્સોએ સામૂહિક બળાત્કાર ગુજારતાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે અને એક શખ્સ હજુ ફરાર છે. સગીરાને ઉંઘની દવા પીવડાવી ચાર શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ ચારેય યુવક બળાત્કાર ગુજાર્યા બાદ ફરાર થઈ ગયા હતા. પરિવારજનોએ સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી છે. પોલીસે સગીરાનું પણ નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે. જામનગર ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો દોડી જઈ તપાસ હાથ ધરી છે. લોકો ચારેય શખ્સો પર ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઘટના અંગે જામનગર ડીવાયએસપી એ.પી. જાડેજાએ જણાવ્યું કે, 2 ઓક્ટોબરના રોજ પીડિત સગીરાએ પરિવાર સાથે આવીને સિટી સી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર સગીરાએ ચાર શખ્સો વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ આપી છે. જામનગરની ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં આ બનાવ બન્યો હતો. ફરિયાદ દાખલ થતા જ પોલીસે ત્રણ આરોપીને તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. ચોથો આરોપી ફરાર છે અને તેને પકડવા માટે અમે પોલીસની અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે. હાલમાં જામનગર મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ તપાસ ચલાવી રહ્યા છે. સગીરા સાથે એક આરોપીને સબંધ હતો અને પછી તેના ત્રણ મિત્રોએ શરીર સંબંધ બાંધ્યો હોવાનું ફરિયાદીએ ફરિયાદમાં કહ્યું છે. ઝડપાયેલા ત્રણેય આરોપી મહાદેવનગર વિસ્તારના જ છે. બનાવ 28 સપ્ટેમ્બરના રોજ બન્યો હતો. આ કેસમાં 376 ડી, પોક્સો એક્ટ 4, 5,6 મુજબ ગુનો દાખલમાં આવ્યો છે.