હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે કોરોનાને રોકવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે જોકે કોરોના અકટવાનું નામ લેતો નથી. ત્યારે જામનગરમાં પણ કોરોનાથી હાહાકાર મચી ગયો છે જેને લઈને શહેરમાં ગ્રેઈન માર્કેટના વેપારીઓએ અને સોની વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે.


જામનગરમાં કોરોના સંક્રમણ અને દર્દીનો મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગર શહેરના વેપારીઓ દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ સોની વેપારીઓના સંગઠન દ્વારા ચાંદી બજારની દુકાનો સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રેઈન માર્કેટમાં બપોરના 2 વાગ્યા બાદ દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી.

ઉલ્લેખનિય છે કે, રવિવારે 24 કલાકમા સૌરાષ્ટ્રમાં કોરોનાના 469 કેસ નોંધાયા છે. ત્યારે જામનગર શહેરમાં 105 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 24 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. હાલમાં જામનગરમાં સ્થિતિ વણસે નહીં તે માટે તંત્ર એક્શનમોડમાં આવી ગયું છે અને તાત્કાલિક ધોરણે તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે તથા હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓ માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે.