જામનગર: જામનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.  જામજોધપુર તાલુકાના ફુલઝર ડેમમાં વીજળી પડી હતી. આ વીજળી પડવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીજળીના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ડેમમાં વીજળી પડતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  



જામનગર જિલ્લામાં પણ મોડી રાત્રીના ફરી મેઘરાજાએ વરસવાનુ શરૂ કર્યુ હતુ.  જેમાં જામજોધપુરમાં મઘરાતે બે કલાકમાં જ સાડા ચાર ઇંચ સાથે સાંજ સુધીમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો.  કાલાવડમાં રાત્રે  વધુ સાડા ત્રણ ઇંચ, જામનગર અને ધ્રોલમાં વધુ એકથી સવા ઇંચ, જોડીયામાં સવા બે અને લાલપુરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.


દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઇને  જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ પાસેના પૂલ પર પાણી ફરી વળ્યા છે  તો રાજપરા-પોસિત્રા ગામ પાસે  પણ વરસાદી પાણી ભરતા રસ્તા જળમગ્ન થઇ ગયા છે.


જામનગરના દરેડ નજીક ખોડીયાર મંદિર પાણીમાં ગરકાવ



સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં મેઘતાંડવની સ્થિતિ છે. ખાસ કરીને દેવભૂમિ દ્રારકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ચૂક્યાં છે.લાલપુર, જામજોધપુરમાં વરસેલા વરસાદથી પાણી પાણી થઇ ગયું છે, જામનગરના દરેડ નજીકના અડધું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે.


મેઘતાંડવથી દેવભૂમિ દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ



છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 15 ઈંચ વરસાદ  વરસ્યો છે. દ્વારકા જિલ્લાની તમામ શાળાઓમાં રજા  જાહેર કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી 59 લોકોનું રેસ્ક્યુ  કરવામાં આવ્યું છે. વીજળી પડતા ત્રણ લોકોના  મોત નિપજ્યા છે. પૂરને લીધે નવ મકાનોને નુકસાન થયું છે. 20 વીજપોલ ધરાશાયી થયા છે. , 10 રસ્તા ધોવાયા છે. ભાણવડમાં 19 વીજટ્રાન્સફોર્મર બળી ગયા છે. ભારે વરસાદની સ્થિતિને જોતા ડેમથી દુર રહેવાની કલેક્ટરે  અપીલ કરી છે.




સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ



હવામાન વિભાગે પોરબંદર, દ્વારકા,ગીર સોમનાથ, જૂનાગઢ,સુરત,નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલી, વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. નર્મદા, ભરૂચ,તાપી,ડાંગમાં ઓરેન્જ એલર્ટ  જાહેર કર્યું છે.કચ્છ,જામનગર,રાજકોટ, અમરેલી,ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ  આપ્યું છે. મોરબી, સુરેન્દ્રનગર,બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે  આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીને લઇને હવામાન વિભાગે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.