જામનગર: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે છે .પ્રધાનમંત્રી મોદીનું જામનગરમાં આગમન થઈ ગયું છે.  દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલો સુધી ભવ્ય રોડશો યોજવામાં આવ્યો છે.  પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે હજારોની સંખ્યામાં લોકો રોડ શોના રુટ પર છે.  પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી મોદીની એક ઝલક જોવા માટે જામનગરવાસીઓમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  






જામનગરમાં પ્રધાનમંત્રી મોદી રાત્રિ રોકાણ કરશે. 25મીની સવારે તેઓ દ્વારકા જશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના  સ્વાગતને લઈ કૃષ્ણનગર દ્વારકાને ભવ્ય રીતે શણગારવામાં આવી છે.  25 ફેબ્રુઆરીએ પીએમ મોદી સૌરાષ્ટ્રને કરોડોના વિકાસકામોની યોજનાઓની સોગાત આપશે.


દ્વારકાધીશના દર્શન કરશે


પ્રધાનમંત્રી મોદી સવારે દ્વારકાધીશના દર્શન કરશે.   8.25 મિનિટે પીએમ મોદી સિગ્નેચર બ્રિજનું ઉદ્દઘાટન કરશે. અહીંના લોકોની માંગને ધ્યાનમાં રાખીને સિગ્નેચર બ્રિજનું નવુ નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 1 વાગ્યે દ્વારકામાં એક બેઠકમાં પણ સામેલ થશે અને કરોડો રૂપિયાની યોજનાનું ખાતમુહૂર્ત કરશે.


પીએમ મોદી માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતને અનેક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. રાજકોટમાં ગુજરાતની સૌપ્રથમ એઈમ્સનું પીએમ મોદી ઉદ્દઘાટન કરશે. 750 બેડની ક્ષમતાવાળી રાજકોટ એઈમ્સમાં આમ જનતાને આંતરરાષ્ટ્રીય સ્તરની મેડિકલ સુવિધાઓ સસ્તા દરેથી મળશે. પીએમ મોદી રાજકોટમાં બનેલી ગુજરાતની સૌથી મોટી જનાના હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. આ સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેકનું લોકાર્પણ કરશે.


જામનગરથી પીએમ મોદી સીધા દ્વારકા જશે. જ્યાં બેટ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ ઓખા-બેટ દ્વારકા વચ્ચે 900 કરોડના ખર્ચે નિર્માણ થયેલા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે.બ્રિજના લોકાર્પણ બાદ PM મોદી દ્વારકાધીશના નિજ મંદિરે દર્શન કરશે. એટલું જ નહીં પીએમ મોદી દ્વારકામાં ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી શકે છે. 


દ્વારકામાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી રાજકોટ જશે. જ્યાં પણ સૌરાષ્ટ્રવાસીઓને આરોગ્યલક્ષી સુવિધાની ભેટ આપશે. એઈમ્સના 250 બેડના IPD વિભાગનું લોકાર્પણ કરશે. PM મોદી રેસકોર્સ ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ સાંજે તેઓ દિલ્લી જવા રવાના થશે.