Jamnagar News: ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે. આ દરમિયાન જામનગરના લાલપુર પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે.  અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ચાર થાંભલા વિસ્તાર, ઉમાધામ સોસાયટી, સહકાર પાર્ક, એસટી બસ સ્ટેન્ડ ચોક સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ગજણા, ભટીયા, ઈશ્વરીયા જેવા ગામોમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડ્યા છે. વરસાદી ઝાપટાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે.


રાજ્યમાં ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે.. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે અમુક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે


હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના કહેવા મુજબ, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં વરસાદ પડશે. સમગ્ર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સુરત, વલસાડ,નવસારી,તાપી,ડાંગ,દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, દિવ, રાજકોટ અને જામનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે.


ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી


ઉત્તર ગુજરાતમાં 7 સપ્ટેમ્બરથી વરસાદની ગતિ વધશે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી છે. ગાજવીજ અને વીજળીના કડાકભડાકા સાથે વરસાદ પડી શકે છે.


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કરી છે આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાના અંતમાં અને બીજા અઠવાડિયાના અંતમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 4  થી 10 સપ્ટેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. આગામી 3 થી 12 સપ્ટેમ્બરમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10 થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. 13 થી 20 સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરી છે.


છેલ્લા 10 વર્ષમાં ઓગસ્ટ મહિનામાં સિઝનનૌ સૌથી ઓછો વરસાદ પડ્યો છે, રાજ્યમાં સારો વરસાદ  કોઈ જિલ્લામાં પડ્યો નથી. જોકે, ગત ઓગસ્ટમાં સિઝનનો 100 ટકા વરસાદ પડ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ 81.82 ટકા વરસાદ નોંધાયો છે.