jamnagar: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને લઈ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જામનગરના ટાઉનહોલમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેરસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર હતા. ગોપાલ ઈટાલિયા જ્યારે આ સભાને સંબોધી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના પર જૂતું ફેંક્યું હતું.
કાર્યકરોએ હુમલાખોરને પકડી તેને જોરદારનો મેથીપાક ચખાડ્યો
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની સભામાં જોરદાર હંગામો થયો હતો. અજાણ્યા શખ્સ દ્વારા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અચાનક કોઈ વ્યક્તિએ આગળ આવીને ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંક્યું હતું. જૂતું ફેંકવાની ઘટના બનતા થોડીવાર માટે આ જનસભામાં દોડધામ મચી ગઈ હતી. સ્ટેજ ઉપર રહેલા અન્ય અગ્રણીઓ તથા કેટલાક નીચે બેસેલા કાર્યકરોએ હુમલાખોરને પકડી તેને જોરદારનો મેથીપાક ચખાડ્યો હતો. જૂતું ફેંકનાર અજાણ્યા શખ્સની હાલ તો પોલીસે અટકાયત કરી છે.
જામનગર પોલીસે તપાસ હાથ ધરી
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાર્યક્રમમાં બનેલી ઘટના બાદ થોડીવાર માટે જનસભામાં સન્નાટો બોલી ગયો હતો. હાલ તો આ અજાણ્યા શખ્સની પોલીસે અટકાયત કરી છે. વધુ પોલીસ તપાસ બાદ આ વ્યક્તિ કોણ છે તે સામે આવશે.
વિસાવદરથી જીત મેળવી છે ગોપાલ ઈટાલિયાએ
વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ વિસાવદર પેટાચૂંટણીમાં શાનદાર જીત મેળવી હતી. યુવા નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને પેટાચૂંટણીમાં પરાજય આપ્યો હતો. ગોપાલ પટેલ પ્રથમવાર વિધાનસભા પહોંચ્યા છે. આપના યુવા નેતા ગોપાલ ઈટાલિયાનો જન્મ 21 જુલાઈ 1989ના ગુજરાતના બોટાદમાં થયો હતો. ગોપાલ ઈટાલિયાએ પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં મેળવ્યું હતું. ત્યારબાદ ઈટાલિયાએ ગુજરાત યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતક કર્યું હતું.
ગોપાલ ઈટાલિયાએ પોલીસની પરીક્ષા પાસ કરી અને વર્ષ 2013મા અમદાવાદના મધુપુરા પોલીસ સ્ટેશનમાં કૉન્સ્ટેબલ તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ ગોપાલ ઈટાલિયાએ 2014મા અમદાવાદ કલેક્ટરેટમાં મહેસુલી ક્લાર્ક તરીકે પણ કામ કર્યું હતું. સરકારી નોકરી કરવા સમયે પણ ગોપાલ ઈટાલિયા સામાજિક અને રાજકીય કાર્યોમાં રસ લેતા હતા. સરકારી નોકરી છોડ્યા બાદ ગોપાલ ઈટાલિયાએ બેરોજગાર યુવાનો માટે રોજગારનો મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગોપાલ ઈટાલિયા સક્રિય રૂપમાં જોવા મળ્યો હતો. ગોપાલ ઇટાલિયા વર્ષ 2015મા થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ ઈટાલિયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ગોપાલ ઈટાલિયાએ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની જવાબદારી પણ સંભાળી હતી.
2017માં તત્કાલીન ગૃહરાજ્યમંત્રી પર ગોપાલ ઈટાલિયાએ જૂતુ ફેંક્યું હતું
વર્ષ 2017મા ગુજરાતના તત્કાલીન ગૃહરાજ્યમંત્રી ગોપાલ ઈટાલિયાએ જૂતુ ફેંક્યું હતું. જેના કારણે ગોપાલ ઈટાલિયા સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં આવ્યા હતા. જેના કારણે ઇટાલિયાને સેવા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરી દેવાયા હતા. ઇટાલિયા તે સમય સુધી પાટીદાર સમુદાયના નેતા બની ચુક્યા હતા. ત્યાર બાદ 2018 માં પાટીદાર અનામત આંદોલન સમિતીના નેતા તરીકે ગુજરાતમાં નામના મેળવી અને ત્યાર બાદ રાજનીતિમાં આવવાનો નિર્ણય લીધો અને 2020 માં આમ આદમી પાર્ટીમાં પગ મુક્યો અને પાટીદાર સમુદાયના યુવાનોને જોડ્યા હતા. ગોપાલ ઈટાલિયા પોતાના ભાષણ માટે પણ જાણીતા રહે છે.