જામનગર: પીએમ મોદીએ આજે સવારે બનાસકાંઠામાં અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. ત્યાર બાદ હવે તેઓ જામનગર જવા રવાના થયા છે. જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે તેવી માહિતી સામે આવી રહી છે. મોરેશિયસના પ્રધાનમંત્રી પણ આ રોડ શોમાં ઉપસ્થિત રહેશે. વાયુસેના જામનગરથી રોડ શો શરૂ થશે અને જામસાહેબના બંગલા સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવશે. અલગ-અલગ 30થી વધુ સંસ્થાઓ દ્વારા પ્રધાનમંત્રીને આવકારવામાં આવશે.
વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. રાજકોટમાં એઇમ્સ બાદ જામનગરમાં વધુ એક આરોગ્યની ભેટ મળશે. જામનગરના ગોરધનપર ખાતે નિર્માણ પામશે વિશ્વનુ પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, W.H.O.ના ડાયરેકટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આજે જામનગરમાં GCTM નો શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે. ગ્લોબલ સેન્ટર થકી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે, પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે. પરંપરાગત દવા, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે. અને ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે. જામનગરમાં પીએમ મોદીના કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ
બનાસકાઠા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી બનાસકાંઠાના દિયોદર ખાતેના બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કર્યું. બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં બનાસ ડેરી સંકુલ નિર્માણ પામેલ છે. જ્યાં પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન (FM 90.4)નું આજે પીએમ લોકાર્પણ કર્યું. આજે વડાપ્રધાનના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હત કરવામાં આવ્યું.