Joshimath News: જોશીમઠમાં તિરાડોના ભયને જોતા અત્યાર સુધીમાં 60 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
Joshimath Landslide:
જોશીમઠમાં સ્થિતિ દયનીય બની રહી છે. 1-2 ઈંચની તિરાડો હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને 8 થી 9 ઈંચની થઈ ગઈ છે. દાયકાઓથી અહીં રહેતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક સ્થાનિક લોકોને મદદની ખાતરી પણ આપી છે. જોશીમઠના મનોહર બાગ વિસ્તારમાં રહેતા 60 વર્ષીય ઉષા બેનએ જ્યોતિર્મથ સંકુલની અંદરના એક મંદિરમાં તિરાડો દેખાડતા કહ્યું કે તે પોતાની ઓળખ ગુમાવવાની આરે છે.
ઉષાએ કહ્યું કે, લગભગ એક અઠવાડિયા પહેલા તેના ઘરમાં તિરાડો દેખાવા લાગી છે ત્યારથી જ ડરના કારણે તે બપોર બહાર વિતાવી રહી છે. હવે તિરાડો પણ પહોળી થઈ રહી છે. વર્ષોની મહેનતની કમાણીથી તેમણે બનાવેલું ઘર હવે તેમને ખાલી કરવાની ફરજ પડી છે. આ તિરાડો વિશે વાત કરતાં લોકોની આંખ ભીની થઇ જાઈ છે.
જમીન ધસી જવાને કારણે ઘણી ઈમારતોમાં તિરાડો પડી ગઈ છે
જોશીમઠની એક ખાનગી શાળાના શિક્ષિકા તેમજ મનોહર બાગની રહેવાસી રજનીએ કહ્યું કે, તે ભયમાં જીવે છે કે ભવિષ્યમાં કંઈ પણ થઈ શકે છે. તે જ્યાં કામ કરે છે તે શાળા પણ અદ્રશ્ય થવાના આરે છે. અહીં જમીન ધસી જવાને કારણે અનેક ઈમારતોમાં તિરાડો પડી ગઈ છે, જે પહેલા કરતા વધુ મોટું સ્વરૂપ લઈ રહી છે.
ખાલી કરવાની સૂચના:
જોખમને જોતા, ઉત્તરાખંડ સરકારે રવિવારે એટલે કે 8 જાન્યુઆરીના રોજ શહેરના તમામ 9 વોર્ડને રહેવા માટે અસુરક્ષિત જાહેર કર્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. લોકો હવે ઉત્તરાખંડ સરકાર દ્વારા આપવામાં આવેલા સુરક્ષિત સ્થળો પર જવા લાગ્યા છે.
600થી વધુ મકાનોમાં તિરાડો:
અધિકારીઓના જણાવ્યા મુજબ, જોશીમઠમાં લગભગ 4500 ઈમારતોમાંથી 600થી વધુમાં તિરાડો પડી ગઈ છે. રવિવારે, પ્રશાસને મનોહર બાગના કેટલાંક ઘરો પર લાલ રંગથી મોટી X સાઇન કરી દીધી હતી, જેનો અર્થ છે કે , તેવા મકાનો રહેવા માટે અસુરક્ષિત છે. મનોહર બાગની રહેવાસી રજની કહે છે કે ,તે અને તેના બાળકો આનાથી ચિંતિત છે. તેઓ ચિંતિત છે કે જ્યાંથી તેમને સ્થળાંતર કરાવવામાં આવી રહ્યા છે ત્યાં પણ તિરાડો પડી જશે તો ક્યાં જશે.
60 પરિવારોને શિફ્ટ કરાયા:
ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 60 પરિવારોને શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. હિમાંશુએ નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં ઘરે-ઘરે જઈને તિરાડ પડેલા મકાનોમાં રહેતા લોકોને રાહત કેન્દ્રોમાં જવાની અપીલ કરી હતી. ઉત્તરાખંડના મુખ્ય સચિવ એસએસ સંધુ, મુખ્યમંત્રીના સચિવ આર મીનાક્ષી સુંદરમ અને પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે પણ જોશીમઠનું નિરીક્ષણ કર્યું હતું.