Budget Leak: બજેટ રજૂ કરતા પહેલા હલવો સમારોહ થાય છે. આ સેરેમની પછી નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં એટલે જ્યાં પ્રિંટિગ પ્રેસ છે એ જગ્યાએ  નાણામંત્રી અને બજેટ સાથે જોડાયેલા 100 જેટલા  કર્મી કેદ થઇ જાય છે.


આ સમયે સમગ્ર દેશમાં પેપર લીકની ચર્ચા છે. યુવાનોમાં ગુસ્સો છે કે, તેઓ આટલી મહેનત કરીને તૈયારી કરી છીએ  પરંતુ પેપર લીક કરતી ટોળકીના કારણે બધી જ મહેનત એળે જાય છે.  આજે અમે વર્તમાન પેપર લીકના મામલાઓની ચર્ચા નહીં કરીએ, પરંતુ તમને જણાવીશું કે, એક સમયે દેશનું બજેટ કેવી રીતે લીક થયું હતું.


બજેટ ક્યારે લીક થયું?


બીબીસીના અહેવાલ મુજબ, વર્ષ 1950માં સંસદમાં રજૂ કરવામાં આવે તે પહેલા જ દેશનું બજેટ લીક થઈ ગયું હતું. આ મામલાને કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. જેના કારણે તત્કાલિન નાણામંત્રી જોન મથાઈને હટાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ બજેટ છાપવાની જગ્યા પણ બદલવામાં આવી હતી.


વાસ્તવમાં, 1950 સુધી, બજેટ રાષ્ટ્રપતિ ભવનમાં છાપવામાં આવતું હતું, પરંતુ જ્યારે બજેટ લીક થયું ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે, હવે બજેટ નવી દિલ્હીના મિન્ટો રોડ સ્થિત પ્રેસમાં છાપવામાં આવશે. આ પ્રિન્ટિંગ 1979 સુધી ચાલ્યું હતું. આ પછી, વર્ષ 1980 થી, નોર્થ બ્લોકના ભોંયરામાં બનેલા પ્રિન્ટિંગ પ્રેસમાં બજેટ છાપવાનું શરૂ થયું. આજે પણ અહીં બજેટ છપાય છે.


કેદ થઇ જાય છે બજેટ કર્મી અને નાણામંત્રી  


બજેટ રજૂ કરતા પહેલા હલવો સમારોહ થાય છે. આ સમારોહ પછી, નાણા મંત્રાલય અને બજેટ સાથે જોડાયેલા લગભગ 100 કર્મચારીઓ નોર્થ બ્લોકના ભોંયરામાં કેદ રહે છે, જ્યાં પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપિત છે. ત્યાં આ કર્મચારીઓ થોડા દિવસો માટે કડક સુરક્ષા હેઠળ અહીં રહે છે. જ્યારે નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરે છે, ત્યારે આ કર્મચારીઓને તેમના પરિવારનો સંપર્ક કરવાની છૂટ આપવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવે છે કે, બજેટ પહેલાની જેમ ફરીથી લીક ન થાય. જો કે, વસ્તુઓ હવે આધુનિક બની રહી છે. બજેટ બ્રીફકેસ લાલ બેગમાં બદલાઈ ગઈ છે અને બજેટ પણ હવે કાગળને બદલે મેડ ઈન ઈન્ડિયા ટેબલેટમાંથી વાંચવામાં આવે છે.