Rain Forecast:યુપી-બિહારથી લઈને રાજસ્થાન સુધીના લોકો આ સમયે વરસાદની મજા માણી રહ્યા છે પરંતુ દિલ્હી એનસીઆરમાં વરસાદના કોઈ સંકેત નથી. એક તરફ અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે તો બીજી તરફ દિલ્હીમાં બફારાના કારણે લોકો ફરી પરેશાન છે. ચાલો જાણીએ કે આજે દેશભરમાં કેવું રહેશે હવામાન


ચોમાસાના આગમનથી, દેશભરના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને તાપમાનમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં સ્થિતિ સાવ વિપરીત છે. વાસ્તવમાં દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ નથી થઈ રહ્યો જેના કારણે રાજધાનીના તાપમાનમાં વધારો થયો છે અને બફારામાં  પણ ખૂબ જ વધારો થયો છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો બિહાર, યુપી અને મહારાષ્ટ્રમાં ખાસ કરીને  મુંબઈમાં ઘણી જગ્યાએ વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે આજે પણ મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ કે આજે એટલે કે 9 જુલાઈએ દેશભરમાં કેવું  હવામાન રહેશે.


 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગની આગાહી મુજબ  બફારાનું  પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે દિલ્હીના લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે 11-12 જુલાઈના રોજ દિલ્હી-NCRમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.


રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ


રાજસ્થાનમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય થઈ રહ્યું છે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. IMD અનુસાર, 9 થી 10 જુલાઈના રોજ દક્ષિણ રાજસ્થાનના જોધપુર, ઉદયપુર અને કોટા વિભાગના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જે બાદ 11 જુલાઈએ વરસાદ ઓછો થવાની સંભાવના છે.                       


પહાડોમાં પણ આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ બંને રાજ્યોમાં આગામી થોડા દિવસો માટે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશમાં 10 થી 12 જુલાઈ અને ઉત્તરાખંડમાં 9 થી 12 જુલાઈ વચ્ચે વરસાદ થઈ શકે છે. આ સાથે હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં લેન્ડ સ્લાઈડના ખતરાની ચેતાવણી પણ આપી છે.