મુંબઈઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે એક મોટો ફેંસલો લીધો છે. જે મુજબ રાજ્યમાં જાતિના નામ પર રાખવામાં આવેલા રહેણાંક વિસ્તારના નામ બદલવાનો ફેંસલો લીધો છે.  મહારાષ્ટ્ર સરકારના આ ફેંસલાનો હેતુ કોઈપણ રહેણાંક વિસ્તારનું નામ જાતિના બદલે ગામ કે વિસ્તારના મહાપુરુષના નામ પરથી રાખવાનો છે.


રાજ્ય સરકારનો હેતુ કોઈપણ વિસ્તારના લોકો એક જાતિ વિશેષ કે સમાજ વિશેષ તરીકે ન ઓળખાય તેવો છે. કોઈપણ વ્યક્તિ ગમે તે વિસ્તારમાં જતાં પહેલા નામ સાંભળીને તે વિસ્તારમાં ચોક્કસ સમાજ કે જાતિના લોકો રહે છે તેવો પૂર્વાગ્રહ ન રાખે તે છે.



ઠાકરે સરકારના આ ફેંસલા મુજબ, જો કોઈ વિસ્તારનું નામ વ્યક્તિ, અટક કે જાતિના આધાર પર છે તો તેને બદલી દેવામાં આવશે. નામ બદલીને કોઈ મહાપુરુષના નામ પર કરાશે. મહા વિકાસ અઘાડીના નેતાઓ મુજબ આ બદલાવ એનસીપી સુપ્રીમો શરદ પવારના સૂચન પર કરવામાં આવ્યો છે. શરદ પવારે મહારાષ્ટ્ર સરકારના સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડેને આ સલાહ આપી હતી.

મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં અનેક જગ્યાના નામ કોઈ જાતિ કે ઉપનામ પર આધારિત છે. જેના કારણે કોઈ વ્યક્તિ જે તે વિસ્તારમાં રહેતા લોકો પ્રત્યે પૂર્વાગ્રહ લઈને જાય છે અને તેનાથી સામાજિક અંતર વધે છે.