Maharashtra News: ત્રિપુરામાં ગત મહિને થયેલી હિંસા વિરુદ્ધ મહારાષ્ટ્રના અમરાવતીમાં દેખાવો થઈ રહ્યા છે. ગઈકાલે કેટલાક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ દુકાનો પર પથ્થરમારો કર્યા બાદ કેટલાક વિસ્તારમાં તણાવભરી  સ્થિતિ છે.  આ ઘટનાને લઈને આજે ભાજપે બંધનું એલાન આપ્યું હતું. બંધ દરમિયાન હિંસાની ઘણી ઘટનાઓ બની હતી. જે બાદ NCP નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે દોષિતો સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.


 હિંસામાં બે પોલીસકર્મી ઘાયલ


ત્રિપુરામાં કોમી રમખાણોના વિરોધમાં ગઈકાલે મહારાષ્ટ્રના અનેક શહેરોમાં મુસ્લિમ સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન કેટલીક જગ્યાએથી હિંસાના અહેવાલો સામે  આવ્યા હતા. નાંદેડમાં, હિંસક ટોળાએ ઘણી દુકાનોમાં તોડફોડ કરી અને ભારે પથ્થરમારો કર્યો, જેમાં 2 પોલીસકર્મીઓ ઘાયલ થયા. પ્રદર્શન દરમિયાન સરકારી વાહનોને નુકસાન થયું હતું. માલેગાંવમાં પણ ભારે હોબાળો થયો હતો. હિંસક ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જયબ ઈન્ટરસેક્શન પર દુકાનોની કાચની બારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને હવે દુકાનદારોની ફરિયાદ પર કેસ નોંધવામાં આવી રહ્યો છે.


જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે- નવાબ મલિક


હિંસા અંગે મંત્રી નવાબ મલિકે કહ્યું છે કે, જે ઘટના બની છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. પોલીસ તેની તપાસ કરશે. જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. દરેકને વિરોધ કરવાનો અધિકાર છે. પરંતુ આંદોલનના નામે હિંસા કરવી યોગ્ય નથી. અમે લોકોને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ. કેટલાક અરાજક તત્વો આમાં હિંસા ફેલાવવાનું કામ કરી રહ્યા છે.


બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા વિરુદ્ધ પ્રદર્શન કરતી વખતે ત્રિપુરાના પાણીસાગરમાં એક ટોળું હિંસા પર ઉતરી આવ્યું હતું અને એક મંદિર, ઘરો અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું.