ભિલોડાઃ ભિલોડામાં સવારે ૬ થી ૧૦ વાગ્યામાં ચાર ઇંચ વરસાદ ખાબકતા આખું શહેર પાણી-પાણી થઈ ગયું છે. વરસાદને પગલે ભિલોડાની હાથમતી નદીમાં ઘોડાપુર આવ્યું છે. બુઢેલી નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે. હાલ, બંને નદીઓ બે કાંઠે વહી રહી છે. ધોધમાર વરસાદથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

ભિલોડામાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા ખેતરોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. ગોવિંદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા મકાનોમાં પાણી ભરાયા છે. ભિલોડા -ઇડર રોડ પર પાણી ફરી વળ્યાં છે. નદી કિનારાના ૨૦થી વધુ ગામોને સતર્ક કરાયા છે. કલેકટરે તલાટીઓને એલર્ટ રહેવાસૂચના આપી છે. ભિલોડા નગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે.

ઈડરથી ભિલોડા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જોકે, એક તરફનો જ માર્ગ હાલ કાર્યરત છે. વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે લોકોના ઘરોમાં તેમજ બજારમાં પાણી ભરાયા છે.