મહેસાણા: વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. આજે ફરી એકવાર રખડતા ઢોરને કારણે એકનું મોત થયું છે. મહેસાણાના ઊંઝામાં બનેલી ઘટનાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહી છે. રખડતા ઢોરે 53 વર્ષીય પુરુષને અડફેટે લીધા હતા. ઉંઝામાં બહારમાઢ રામદેવ પીર મંદિર નજીક આ ઘટના બની હતી.
નાળાની પાળી પર બેઠેલા વ્યક્તિને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. સ્થાનિક કોર્પોરેટર દિનેશ પટેલ અને અલ્કેશ પટેલ દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને નાળામાંથી બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં ગભીર રીતે ઘાયલ થયેલા આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.મૃતકનું નામ યોગેશભાઈ કનૈયાલાલ આચાર્ય હતું.
પંજાબમાં ફરજ બજાવતો ગુજરાતનો જવાન શહિદ
પંજાબમાં ફરજ બજાવતા ગુજરાતના સૈનિકે શહીદી વહોરી છે. ધ્રોલ તાલુકા હાડાટોડા ગામનો સૈનિક પંજાબના ભટીન્ડામાં શહીદ થયો છે. આજે સાંજે શહીદનો મૃતદેહ માદરે વતન પહોંચ્યો હતો. જ્યાં સાંજે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. શહીદની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભીની આંખો સાથે વીરને વિદાઈ આપવામાં આવી હતી.
હાડાટોડા ગામના રહીશ અને 11 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા જાડેજા રવીન્દ્રસિંહ હનુભા નામના 32 વર્ષીય જવાનનું પંજાબના ભટીન્ડામા ચાલુ ફરજ દરમિયાન આકસ્મિક મોત થતા સમગ્ર પંથરમાં અરેરાટી મચી ગઈ છે. આજે પૂરતા સૈન્ય સન્માન સાથે શહીદને અંતિમ વિદાઈ આપવામાં આવી હતી.
રાજ્યમાં અલગ અલગ દુર્ઘટનામાં 8 લોકોના મોત
આજે રાજ્યમાં બુધવારનો દિવસ કાળમુખો સાબિત થયો છે. આજે અલગ અલગ દુર્ઘટનામાં રાજ્યમાં 8 લોકોએ જીવ ગુનાવ્યા છે. જેમાં સુરતમાં ગેસ લિકેજના કારણે 4 કામદારોમા મોત થયા છે. આ ઉપરાંત ભાવનગર, ગીર સોમનાથ,સુરત અને અમદાવાદમાં એક એક વ્યક્તિના મોત થયા છે.
કીમ GIDCમાં ઝેરી ગેસના કારણે ગૂંગળાઈ જવાથી 4 કામદારોના મોત
સુરતની કીમ જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના બની છે. નિલમ ઈંડસ્ટ્રીઝમાં ગૂંગળાઈ જવાના કારણે ચાર કામદારોના મોત થયા છે. કેમિકલ ભરેલુ ડ્રમ ફાટી ગયા બાદ નિકળેલા કેમિકલના ગેસના કારણે આ જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતા. મૃતકો પૈકી બે કામદારો અંકલેશ્વરના,એક કાપોદ્રાના અને એક રાજસ્થાનનો હોવાનો ખુલાસો થયો છે. હાલમાં પોલીસની ટીમ સ્થળે પહોંચી છે. ઘટનાને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો છે.
જૂનાગઢ બાદ ભાવનગરમાં મોટી દુર્ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, ભાવનગરમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. શહેરના માધવહીલ કોમ્પલેક્સનો પાછળનો ભાગ ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. 10થી 15 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. બેન્કના કર્મચારીઓ કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગની ટીમ હાલ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા હતા. એક તરફનો ભાગ જર્જરિત હોવાથી દુર્ઘટના સર્જાઇ હતી. માધવહિલ કોમ્પલેક્સમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલી છે કલેક્ટરના જણાવ્યા અનુસાર, દુર્ઘટનામાં આઠથી દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઉનામાં અકસ્માતમા મહિલાનું મોત
વિદ્યાનગર પાસે ડમ્પરે દંપતીને અડફેટે લેતાં પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ થયું છે. તો બીજી તરફ મહિલાના પતિની હાલત પણ ગંભીર હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.આ ઉપરાંત ઘટનાની ગંભીરતા જોતા ખુદ એએસપી ઘટના સ્થળે દોડી ગયા હતા.
હીટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત
સુરતના હજીરા વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું છે. બેફામ ટ્રકે યુવકને કચડી નાખ્યો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. જો કે, આ ઘટના સોમવારની છે પરંતુ ગંભરી રીતે ઘાયલ થયેલા યુવકનું આજે સારવાર દરમિયાન મોત થયું છે. હજીરા વિસ્તારમાં અનેકવાર બેફામ ટ્રકો અકસ્માત સર્જી લોકોને મોતને ઘાટ ઉતારે છે. સ્થાનિકોની અનેકવાર રજુઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે.
દિવાલ પડતા એક શ્રમિકનું મોત
અમદાવાદના આંબલી બોપલ રોડ પર આવેલ બીલ્ડીંગમાં દિવાલ પડતા શ્રમિકનું મોત થયું છે. બોપલ આંબલી રોડ પર ઇનસેપ્તમ બિલ્ડીંગના થર્ડ ફલોર A બ્લોકમાં રિનોવેશન સમયે દિવાલ ધરાશાયી થઈ હતી. મોડી રાત્રે રિનોવેશનની કામગીરી ચાલતી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.