મહેસાણાઃ મહેસાણાના કડી ખાતે 27 સમાજ સરદાર યુવક મંડળ દ્ધારા રક્તદાન શિબિર કેમ્પ તેમજ નીતિન પટેલના ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકારણને લઇને નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે કહ્યું કે અમારા રાજકારણમાં શું હોય છે કે હું એકલો જ આગળ આવું, મારા એકલાનો જ ફોટો. ફોટામાં કોઇ બીજા દેખાવા ના જોઇએ એવી પદ્ધતિ હોય છે. પરંતુ અહી એકલાનું જ નહી, મારા સાથીદારો તેમજ કાર્યકરો અને મારા બોલાયેલા મહેમાનોનું એેક એક જણનું સ્વાગત કર્યું છે.
નીતિન પટેલે કહ્યું કે કેટલાક નેતાઓ માટે હું અને મારો ફોટો મહત્વનો હોય છે. જોકે પોતે હું પણામાં માનતા ન હોવાનો દાવો કર્યો હતો. મંચ ઉપર તમામ મહેમાનોનું સ્વાગત કરાતા નિતિન પટેલે કહ્યું કે અમારા રાજકારણમાં શું હોય છે કે હું એટલો જ આગળ આવું, મારા એકલાનો જ ફોટો પડે, કોઇ અન્ય ફોટામાં ના આવવા જોઇએ. પરંતુ અહી મારા એકલાનું નહી તમામ કાર્યકરો, બધા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. તે બદલ સ્ટેજ પરથી આયોજકોને અભિનંદન આપું છું.
નીતિન પટેલ જણાવ્યું હતું કે કોઇ વ્યક્તિ મોટો માણસ ત્યારે થાય છે જ્યારે તેની પાછળ કામ કરનાર લોકોનો ટેકો હોય. ટેકો આપનારા મદદ કરનારા લોકો હોય ત્યારે હું આ કક્ષાએ પહોંચ્યો છું. તમારા જેવા હજારો હજારો લોકોએ મદદ કરી ત્યારે હું અહીંયા પહોંચ્યો છું. ત્યારે એકબીજાને મદદ કરવી અને ટેકો આપવો તે આપણા બધાની ફરજ છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે જ્યારે તમારા જેવા હજારો લોકોએ મને મદદ કરી ત્યારે હું અહીંયા પહોંચી શક્યો છું. તેમણે રક્તદાન શિબિર અંગે કહ્યું કે આપણા સરદાર યુવક મંડળ દ્વારા ડોનેશન કેમ્પ યોજી બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે. 27 સમાજ સરદાર યુવક મંડળ અગ્રણી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સરદાર યુવક મંડળની 2006માં સ્થાપના કરવામાં આવી તે દરમિયાન નીતિન પટેલને હું મળવા માટે ગયો હતો ત્યાર બાદ જ તેમના અનુભવો અને માર્ગદર્શનના આધારે વિચાર કર્યા બાદ સંગઠનની સ્થાપના કરી હતી. મને કહેતા આનંદ થાય છે કે આ સંસ્થાને 17 વર્ષ પૂર્ણ થયા છે.