મહેસાણાના ઊંઝા તાલુકાના મકતુપુર પાસેથી વરીયાળીમાં નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. વરિયાળી પર પાવડર, ગોળની રસી ભેગી કરી જીરું બનાવતા હતા. સ્થળ પરથી નકલી જીરુંનો જથ્થો મળી આવ્યો છે. સ્થાનીક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ઉઘતાં રહ્યાં અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
મકતુપુર રોડ પર આવેલ પટેલ મહેન્દ્ર મફતલાલ નામના ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ કરી હતી. જેમાં 2700 કિલો નકલી જીરું મળી આવ્યું હતું. જેથી ગોડાઉનને સીઝ કરવામાં આવ્યું હતું. સ્થળ ઉપર બનાવટી જીરુંનું ઉત્પાદન થતુ મળી આવ્યું હતું. ઝીણી વરિયાળીમાં બ્રાઉન પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું તૈયાર કરવામાં આવતું હતું.
બ્રાઉન પાવડર 350 કીલો, ઝીણી વરીયાળી 630 કીલો સહિત 2700 કિલો નકલી જીરાના જથ્થો જપ્ત કરાયો હતો. તપાસ દરમિયાન સ્થળ પર ગોળની રસીનો 100 લીટર જથ્થો, બ્રાઉન પાઉડરનો 350 કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો 630 કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો 2700 કિલોગ્રામ જથ્થો ટીમ દ્વારા સ્થળ પર જ હાજર સ્ટોકમાં પકડી પાડવામાં આવ્યો છે.
રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 132 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં નોંધાયો છે. અહીં પાંચ ઈંચ વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. મહેમદાવાદ-નડિયાદમાં સાડા ચાર ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેડા જિલ્લામાં પણ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. વલસાડમાં ઓરેન્જ અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. મોન્સૂનનો ટર્ફ પસાર થઈ રહ્યો હોવાથી ગુજરાતમાં સારો વરસાદ રહેશે.
હવામાન વિભાગ દ્રાર આપવામા આવેલી આગાહી મુજબ દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદ થઈ શકે છે. તેમજ સુરેન્દ્રનગર, જૂનાગઢ, બોટાદમાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, ભરૂચ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, તાપી, વલસાડ, ડાંગમાં વરસાદ થઈ શકે છે. આગમી બે દિવસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 28મી તારીખે દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદી શક્યતા છે અને 29મી તારીખે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial