મહેસાણાના કડીમાંથી ભેળસેળયુક્ત પનીર, તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, કડીમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 2300 કિલો ભેળસેળયુક્ત પનીર અને 1600 કિલો કપાસિયા તેલનો જથ્થો જપ્ત કર્યો હતો. કેશવી ફૂડ પ્રોડક્ટસ નામની પેઢીમાંથી 5.5 લાખનું પનીર જપ્ત કરાયું હતું. કડીની ધરતી ઈન્ડસ્ટ્રીઝમાં ભેળસેળયુક્ત કપાસિયા તેલનો જથ્થો જપ્ત કરાયો હતો. આરોપીઓ 460 રૂપિયાના બજારભાવે મળતું પનીર 240 રૂપિયામાં વેચતા હતા. હાઈવેની હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં આરોપીઓ ભેળસેળયુક્ત પનીર વેચતા હતા.
મહેસાણાના કડીમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 2300 કિલો શંકાસ્પદ પનીર અને 1600 કિલો કપાસિયા તેલનો જથ્થો જપ્ત કર્યો હતો. નરસિંહપુરામાં આવેલી કેશવી ફુડ પ્રોડક્ટ્સમાં તપાસ દરમિયાન ફૂડ પરવાના વગર એડિબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીરનું ઉત્પાદન થતું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અહીંથી 2300 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થાની કિંમત આશરે 5.5 લાખ રૂપિયા થાય છે.
તપાસમાં ખુલાસો થયો હતો કે આ શંકાસ્પદ પનીર વિરમગામ, કલોલ અને છત્રાલની વિવિધ હોટલો અને રેસ્ટોરન્ટમાં 240 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવતું હતું. આ હોટલોમાં ઝમઝમ રેસ્ટોરન્ટ, હોટેલ સહયોગ, મુસાફિર રેસ્ટોરન્ટ, આઈ ખોડલ ઢાબા, હોટલ અમીરસ અને હોટલ સત્કારનો સમાવેશ થાય છે. બીજી તરફ કડીમાં જ આવેલી ધરતી ઈન્ડસ્ટ્રીઝમાંથી 1600 કિલોગ્રામ શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો મળી આવ્યો હતો. આ તેલની કિંમત આશરે 2.30 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ નિયમ અનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા તથા ડુપ્લીકેટ ઇસમોમાં ફફડાટ ફેલાયો હતો.