પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે. ગઢના મડાણા ગામની ઘટના  છે.  ઇકો કાર ચાલકે ૭ લોકોને અડફેટે લીધા હતા. કારની અડફેટે ઈજાગ્રસ્ત થયેલા 7 માંથી 2 ના કરૂણ મોત નીપજ્યા છે. દશામાના વ્રતનું જાગરણ હોઇ પગપાળા યાત્રિકો ગઢ દશામાના મંદિરે જઈ રહ્યાં હતાં.


ચાલકે ત્રણ વખત અકસ્માત સર્જી 7 લોકોને અડફેટે લીધા હતા. તળાવ નજીક 4  કેનાલ નજીક 2 મંદિર નજીક 1ને કચડી ચાલક  ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખસેડાયા છે. ગઢ પોલીસે કારનો કબ્જો લઈ તપાસ હાથ ધરી છે. 


Surat : ભત્રીજીની નજર સામે જ કાકાએ ભાભીની પેટમાં છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો


સુરત: ગોડાદરા વિસ્તારમાં ખૂદ દિયરે સગી ભાભીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. કાકાએ ભત્રીજીની નજર સામે જ પોતાની ભાભીની પેટમાં છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. એટલું જ નહીં, હત્યા પછી દિયર જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો અને હત્યા કર્યાની કબૂલાત કરી લીધી હતી. બીજી તરફ માતાની હત્યા થઈ જતાં દીકરીએ પિતાને જાણ કરતાં નાના ભાઈની હરકત જાણીને મોટા ભાઈ પણ હચમચી ગયા હતા. પોલીસે આરોપી હરિરામ પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


આ અંગેની વિગતો એવી છે કે,  સુરતના ગોડાદરા વિસ્તારમાં અલગ રહેવાની જીદ કરી દિયરે ભાભીને રહેંસી નાખી છે. હત્યા કરી જાતે પોલીસ સામે હાજર થયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.  ગોડાદરા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના ઝાલોરના પીપરલાકી ગામનો વતની 47 વર્ષ જેઠારામ જીવારામ પટેલ હાલ ગોડાદરાની ચામુંડા રેસિડેન્સીમાં રહે છે. પરિવારમાં 46 વર્ષીય પત્ની અગ્રાબેન ઉપરાંત ત્રણ દીકરીઓ અને એક દીકરો ઉપરાંત 38 વર્ષીય નાનો ભાઈ હરિરામ છે. 


જેઠારામ ભાભી સાથે લિંબાયતના કુબેરનગરમાં કરિયાણાની દુકાન ચલાવે છે. હરિરામનો પરિવાર વતન રહે છે. છેલ્લા અઠવાડિયાથી હરિરામ અલગ ધંધો કરવાનું કહેતો હતો. સાથે ભાઈ જે મકાનમાં રહે છે તે મકાનમાં ઉપર અલગથી રહેવા માંગતો હતો. જેઠારામ અને તેના પત્ની હરિરામને સાથે રહેવા કહેતા હતા. જેથી તેમની વચ્ચે ઝગડાઓ થતા હતા. 


હરિરામને એમ હતું કે ભાભી અને ભાઈ તેની વાત માનતા નથી. મંગળવારે સવારે અગ્રાબેન ઘરેથી દુધ લેવા ગઇ હતી. જેઠારામ નાહવા ગયો હતો. હરિરામ ઘરમાં સોફા પર બેસેલો હતો. અગ્રાબેન દૂધ લઈને રસોડામાં ગઇ ત્યારે હરિરામે ભત્રીજી ભાવનાની સામે ભાભીના પેટમાં તેમજ શરીરના અલગ-અલગ ભાગે ચપ્પુના ઘા મારી નાસી ગયો હતો. ભાવનાએ પિતાને જાણ કરી હતી. અગ્રાબેનને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. ડોક્ટરે ત્યાં તેમને મૃત જાહેર કરી હતી. બીજી તરફ હરિરામે પોતે ગોડાદરા પોલીસ સ્ટેશને પહોંચી જઇને પોલીસને કહ્યું કે તેણે પોતાની ભાભીને મારી નાખી છે. જેઠારામે આરોપી હરિરામ વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે.